વડોદરામાં ₹ 11,000ની લાંચ લેતા તલાટી રંગેહાથ ઝડપાયો! સરકારી પગાર ઓછો પડે છે!

0
37

સરકારમાં ઉંચા પગાર હોવાછતાં લાંચિયા લોકોને લાંચ લેવાની આદત છૂટતી નથી ત્યારે આવાજ એક બનાવમાંજમીનની વારસાઇ માટે પેઢીનામું કરાવી આપવા ખેડૂત પાસેથી રૂપિયા 11 હજારની લાંચ લેવા જતા સંખેડાના દંખેડા ગામના તલાટી કમ મંત્રીને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

વિગતો મુજબ ખેડૂતને જમીનની વારસાઇ કરાવવા પેઢીનામાની જરૂરીયાત હોય તેઓએ સંખેડા તાલુકાના અંબાલી ગ્રામ પંચાયતના તલાટી અને હાલ ઉમલ્લા સેજા-દંખેડા ગ્રામ પંચાયતના ચાર્જ સંભાળતા કનુ ખોડાભાઇ સોલંકી (રહે. એ-31, અનંતા શુભલક્ષ્મી સોસાયટી, શંકરપુરા ગામ, ખંટબા પાસે, વડોદરા)નો સંપર્ક કરી પેઢીનામું કાઢી આપવા વાત કરી હતી.

જોકે,તલાટી કનુ સોલંકીએ ખેડૂતને પેઢીનામું કાઢી આપવા માટે રૂપિયા 15 હજાર થશે તેમ કહી લાંચની માંગણી કરી હતી. જોકે, અંતે રૂપિયા 11 હજાર નક્કી થયા બાદ તલાટીએ વાઘોડિયાથી વડોદરા જવાના રોડ ઉપર પોતાના મકાન નજીક રૂપિયા 11 હજાર લઇને ખેડૂતને બોલાવ્યા હતા. જોકે, ખેડૂત લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક સાધી તલાટી કનુ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાના આધારે લાંચ રૂશ્વત વિરોધી શાખાના મદદનીશ નિયામક પી.એચ. ભેંસાણીયાએ પી.આઇ. એ.એન. પ્રજાપતિને આ કેસમાં પગલાં ભરવા જણાવતા પી.આઇ. એ.એન. પ્રજાપતિએ સ્ટાફની મદદ લઇ વાઘોડિયા-વડોદરા રોડ ઉપર છટકું ગોઠવી તલાટી કનુ સોલંકી ને ખેડૂત પાસેથી રૂપિયા 11 હજાર સ્વીકારવા જતાં રંગેહાથ ઝડપી લીધો હતો.

આ વાત વાયુવેગે સંખેડા તાલુકામાં પ્રસરી જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. તલાટીની સોસાયટીમાં પણ વાત ભારે ચર્ચાનો વિષય બની હતી.

વડોદરા ACBએ લાંચ લેતા ઝડપાયેલા તલાટી કમ મંત્રી કનુ સોલંકી સામે લાંચ રૂશ્વત વિરોધી અધિનીયમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. ACB દ્વારા તલાટીના ઘરમાં પણ સર્ચ કરવામાં આવશે. જો તલાટીના ઘરમાંથી આવક કરતા વધુ સંપત્તી મળી આવશે તો વધુ એક ગુનો દાખલ કરવામાં આવશે.