વલસાડમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યુ છે અને જીલ્લાના 28 ગામોને એલર્ટ કરાયા છે તેમજ જર્જરિત બિલ્ડીંગમાં રહેતા લોકોને આવાસ ખાલી કરવા તાકીદ કરવામાં આવી છે.
ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં વહીવટી તંત્ર એલર્ટ છે ત્યારે વલસાડનું તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે અને તકેદારીના ભાગરૂપે વલસાડના દરિયા કિનારાના 28 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવી જેતે વિસ્તારનું મોનીટરીંગ શરૂ કર્યું છે.
વલસાડ તાલુકાના 14, પારડી તાલુકાના 4 અને ઉમરગામ તાલુકાના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ તમામ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવા સાથે દરિયામાં ગયેલા માછીમારોને પરત બોલાવવામાં આવ્યા છે.
દરિયા કિનારે રહેતા લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડે તો તે માટે સેલ્ટર હોમ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.
વાવાઝોડાની અગાહીને પગલે વલસાડના 120 આવાસ સહિત જર્જરિત 3 બિલ્ડીંગો ખાલી કરવા નગર પાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે.
આમ,વલસાડનું તંત્ર એકશન મોડમાં જોવા મળી રહ્યું છે.