વલસાડમા ભારે ચર્ચાસ્પદ બનેલા સર્કલતોડ પ્રકરણ નો મુદ્દો ગરમાયો છે અને શહેરમાં મુખ્ય ચાર માર્ગોના ટ્રાફિકના નિયમન માટે સંસ્થાની જનભાગીદારી સાથે પાલિકાએ નિર્માણ કરેલા આ સર્કલ નો મુદ્દો શુ છે તેની વિગતો આ મુજબછે.
વલસાડના કલ્યાણબાગ ટ્રાફિક સર્કલને દૂર કરવા માટે અરજદાર કેતન શાહે પ્રાંત અધિકારીની કોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી.જેની સમયાંતરે સુનાવણી થયા બાદ ગત સપ્તાહે પ્રાંત અધિકારી ક્ષિપ્રા અગ્રેએ આ સર્કલ જાહેર ન્યૂસન્સ હોવાના તારણ સાથે દૂર કરવાનો હુકમ કર્યો હતો.જેના પગલે શહેરની સામાજીક સંસ્થાઓ,પાલિકાના માજી પ્રમુખો અને પાલિકાના જનપ્રતિનિધિઓએ આ નિર્ણય સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.જેના પગલે પાલિકા પ્રમુખે પાલિકા વતી પ્રાંત અધિકારીના આ હુકમ સામે સ્ટે મેળવવા માટે સ્થાનિક કોર્ટમાં અરજી દાખલ કરી હતી.જે નામંજૂર થતા પાલિકાએ ફરીથી રિવિઝન અરજી કરી હતી જે પણ 17 ડિસેમ્બરે કોર્ટે ફગાવી દેતા પ્રાંત અધિકારીનો હુકમ યથાવત રહ્યો હતો.
અમલ માટે 21 ડિસેમ્બરે બુધવારે મોડી રાત્રે પ્રાંત અધિકારી ક્ષિપ્રા અગ્રેએ જેસીબીને પણ રવાના કરી સર્કલ દૂર કરવાનો હુકમ કર્યો હતો.આ સાથે વિશાળ પોલીસ કાફલાને કલ્યાણબાગ ટ્રાફિક સર્કલ સ્થળે ખડકી દેવાયો હતો.આ ઘટનાની જાણ થતા જ પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી સ્થળ પર આવીને જેસીબી અને સર્કલ વચ્ચે સર્કલ ન તોડવા માટે ઊભા થઇ ગયાં હતા.પાલિકાના વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ,ઉપપ્રમુખ કૌશિક માકડિયા,કોંગ્રેસના સંજય ચૌહાણ,પ્રવિણ પટેલ,વિજય પટેલ,સત્તાધારી પક્ષના પંકજ આહિર,ધર્માબેન દેસાઇ,ધર્મિન શાહ વિગેરે પહોંચી ગયા હતા.જો કે તંત્રએ પોતાનું કામ પાર પાડ્યું હતું.
હવે આ મુદ્દો પ્રતિસ્થા નો બની રહ્યો છે, ત્યારે આગામી દિવસો માં આ પ્રકરણ વધુ ઘેરું બને તેવા અણસાર માલી રહ્યા છે.