ભારતીય રેલ્વેએ યાત્રિકોની અનેક શ્રેણીમાં ટિકિટ ખરીદનારાને રપ ટકાથી ૧૦૦ ટકા સુધીની છુટ આપવાની જાહેરાત કરી છે. આ શ્રેણીમાં દિવ્યાંગ, દર્દી, સીનીયર સીટીઝન, પુરસ્કાર વિજેતા, સૈનિકો અને વિધવાઓ, છાત્રો, ખેડુત, કલાકાર અને ખેલાડી એમ બધાને અલગ-અલગ પ્રકારની છુટ આપવાની જાહેરાત કરી છે.
રેલ્વે રાજયમંત્રી રાજન ગોહાઇએ આ નવા ફેરફારોની માહિતી આપતા રાજયસભામાં કહ્યુ હતુ કે, મંત્રાલય રેલ યાત્રા દરમિયાન બધા વર્ગને સગવડ મળે તે માટે પગલા લઇ રહ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, શારીરિક રીતે અક્ષમ લોકો માટે બીજા, સ્લીપર, ફર્સ્ટ કલાસ, થર્ડ એસી, એસી ચેરકારમાં ૭પ ટકા. ૧-એસી અને ર-એસીમાં પ૦ ટકા સુધીની રાહત આપવામાં આવી છે. મગજની બિમારીથી પીડિત અને અંધજન લોકો માટે રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનના ૩-એસી અને એસી ચેરકાર શ્રેણીમાં રપ ટકા સુધીની રાહત જાહેર કરવામાં આવી છે. આ શ્રેણીમાં દિવ્યાંગને લઇ જનાર એક વ્યકિતને ટિકિટ ઉપર પણ આ છુટ મળશે. મુંગા-બહેરા દિવ્યાંગ માટે સેકન્ડ અને ફર્સ્ટ કલાસમાં પ૦ ટકા સુધીની રાહત મળશે.
૬૦ વર્ષથી ઉપરના ભારતીય પુરૂષ માટે ટ્રેનની તમામ શ્રેણીમાં ૪૦ ટકાની રાહત , જયારે પ૮ વર્ષથી ઉપરની ભારતીય મહિલાઓ માટે પ૦ ટકાની રાહત આપવાની જાહેરાત કરી છે. આ રાહત રાજધાની અને શતાબ્દી એમ બંને ટ્રેનોમાં લાગુ પડશે.
પુરસ્કાર વિજેતાની શ્રેણી અનુસાર તેમાં પ૦ થી ૭પ ટકા સુધીની રાહતની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં કેટલીક શ્રેણીઓને વિભાજીત કરી તે અનુસાર રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત ઘરે જઇ રહેલા અને શૈક્ષણિક પ્રવાસ પર જઇ રહેલા છાત્રો માટે અલગ-અલગ ટ્રેન શ્રેણીઓમાં પ૦ થી ૭પ ટકા સુધીની રાહતની જાહેરાત કરવામાં આવી છે.
સૈનિકોની વિધવાઓ માટેની શ્રેણીમાં હવે નવી સબ કેટેગરી બનાવાય છે આમ તો તમામ સૈનિક વિધવાઓ માટે સેકન્ડ અને સ્લીપર કલાસમાં રાહત આપવામાં આવી છે આ સિવાય પોલીસની વિધવાઓ અને અર્ધ સૈનિક દળોના સૈનિકોની વિધવાઓ માટે પણ આ રાહતો લાગુ કરવામાં આવશે.