વિવોએ રૂ.2,199 કરોડમાં IPLના સ્પોન્સરશિપ રાઇટ્સ ખરીદ્યા

મુંબઈ:ચાઇનીઝ હેન્ડસેટ ઉત્પાદક વિવોએ આગામી પાંચ વર્ષ માટે રૂ.2,199 કરોડની વિક્રમ રકમમાં ઇન્ડિયન પ્રીમિયમ લીગ (IPL)ની ટાઇટલ સ્પોન્સરશિપ મેળવી છે. કંપની પ્રત્યેક સીઝન માટે રૂ.440 કરોડ ચૂકવશે, જે બીસીસીએલે નક્કી કરેલી રૂ.120 કરોડની બેઝ પ્રાઇસ કરતાં લગભગ ચાર ગણા છે.

ઓપ્પો રૂ.1,430 કરોડની બિડ સાથે બીજા ક્રમે રહી હતી. ભારતીય રમતજગતમાં સ્પોન્સરશિપનો આ વિક્રમ છે. અગાઉ આ વર્ષના પ્રારંભમાં ઓપ્પોએ રૂ.1,079 કરોડમાં ટીમ ઇન્ડિયાના જર્સી રાઇટ્સ મેળવ્યા હતા.

રસપ્રદ વાત એ છે કે વિવો અને ઓપ્પો બંનેની માલિકી પેરન્ટ કંપની બીબીકે ઇલેક્ટ્રોનિક્સ પાસે છે, જે વનપ્લસની પણ માલિકી ધરાવે છે. ઇટીએ 22 જૂને અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે બીસીસીઆઇએ બેઝ પ્રાઇસ તરીકે પ્રતિ વર્ષ રૂ.120 કરોડ નક્કી કર્યા છે અને વિવો, ઓપ્પો, શાઓમી અને ઇન્ટેક્સે ટેન્ડર ડોક્યુમેન્ટ્સ લીધા છે. જોકે આમાંથી માત્ર ઓપ્પો અને વિવોએ જ બિડ સુપરત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વિવોએ આઇપીએલ ઉપરાંત પ્રો કબડ્ડી લીગની ટાઇટલ સ્પોન્સરશિપ પણ પાંચ વર્ષ માટે રૂ.300 કરોડમાં ખરીદી છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને સ્પોર્ટસ કોચીઝ એગ્રીગેટર ખેલોમોરના સ્થાપક જતિન પરાંજપેએ જણાવ્યું હતું કે, ટાઇટલ સ્પોન્સશિપના વિજેતાએ પ્રમોશન માટે વધારાની ઓફર કરવાની જરૂર નથી પડતી કારણ કે ટુર્નામેન્ટના નામમાં જ બ્રાન્ડ જોડાઈ જાય છે.

બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરીએ જણાવ્યું હતું કે, વિવોની બિડ એ હકીકતને વાજબી ઠેરવે છે કે આઇપીએલ વિશ્વની પ્રીમિયમ પ્રોપર્ટીઝમાં સામેલ છે. વિવો વર્તમાન ટાઇટલ સ્પોન્સર છે અને એ તેમણે ચાર ગણા ભાવે ખરીદી છે, જે દર્શાવે છે કે તેમને પ્રોપર્ટીમાં મૂલ્ય જણાયું છે.

જોકે કેટલાક નિષ્ણાતો આને મોંઘો સોદો ગણે છે. સ્પોર્ટ્સ માર્કેટિંગ ફર્મ બેઝલાઇન વેન્ચર્સના ડાયરેક્ટર રામક્રિશ્નને જણાવ્યું હતું કે, બેઝ પ્રાઇસને ધ્યાનમાં લેતાં બિડિંગ રકમ ઘણી ઊંચી છે. એમ લાગે છે કે વિવો એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ત્રણમાંથી એક ભારતીય તેમનો હેન્ડસેટ વાપરે.

બીસીસીઆઇએ 2018થી 2022 એમ પાંચ સીઝન માટેના ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ માટે બિડ મંગાવી હતી. વિવોનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ 2017ની આઇપીએલમાં પૂરો થઈ ગયો છે. 2013-17ના રાઇટ્સ પેપ્સિકોએ રૂ.396.8કરોડમાં ખરીદ્યા હતા. જોકે પ્રથમ ત્રણ વર્ષ માટે રૂ.206 કરોડ ચૂકવ્યા પછી આઇપીએલમાં સ્પોટ-ફિક્સિંગ વિવાદ થતાં કંપની નીકળી ગઈ હતી અને બાકીનાં બે વર્ષ માટે વિવોએ રૂ.190 કરોડ ચૂકવીને ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ મેળવ્યા હતા.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.