ઉત્તર કોરિયાએ રવિવારે દરિયામાં ટૂંકી અંતરની બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. ઉત્તર કોરિયાના પાડોશી દેશોએ આ માહિતી આપી છે. અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસના જવાબમાં ઉત્તર કોરિયાએ તેની પરીક્ષણ પ્રવૃત્તિઓ વધારી દીધી છે. ઉત્તર કોરિયા આ લશ્કરી કવાયતને તેના પર હુમલો કરવાની કવાયત તરીકે જુએ છે. દક્ષિણ કોરિયાના ‘જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ’એ એક નિવેદનમાં કહ્યું કે, ઉત્તર કોરિયાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાંથી છોડવામાં આવેલી મિસાઈલ દેશના પૂર્વ કિનારે આવેલા જળ વિસ્તારમાં પડી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, દક્ષિણ કોરિયાની સેનાએ તકેદારી વધારી છે અને અમેરિકા સાથે ગાઢ સંકલન જાળવી રહ્યું છે. આ પહેલા જાપાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, ઉત્તર કોરિયાએ રવિવારે સવારે એક શંકાસ્પદ મિસાઈલ છોડી હતી. તેણે જણાવ્યું હતું કે, શંકાસ્પદ હથિયાર જાપાનના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની બહાર પડ્યું હતું, પરંતુ આ વિસ્તારમાં નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે દક્ષિણ કોરિયા અને યુએસ વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત શરૂ થયા બાદ ઉત્તર કોરિયા તરફથી આ ત્રીજું શસ્ત્ર પ્રક્ષેપણ છે.
ગુરુવાર સુધી પ્રેક્ટિસ ચાલુ રહેશે, ચિંતા વધશે
દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત ગુરુવાર સુધી ચાલુ રહેશે. ઉત્તર કોરિયાનું માનવું છે કે આ સૈન્ય અભ્યાસ તેના પર હુમલાની તૈયારી છે. જો કે, યુએસ અને દક્ષિણ કોરિયાનું કહેવું છે કે તેમની કવાયત રક્ષણાત્મક પ્રકૃતિની છે. ઉત્તર કોરિયાએ તેની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા તાજેતરમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (ICBM)Hwasong-17 લોન્ચ કરી હતી.
‘ડર પેદા કરવા માટે મિસાઇલ છોડવામાં આવી’
ઉત્તર કોરિયાના મીડિયાએ દેશના નેતા કિમ જોંગ ઉનને ટાંકીને કહ્યું કે, ICBM પ્રક્ષેપણનો હેતુ દુશ્મનોના મનમાં ભય પેદા કરવાનો હતો. અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત શરૂ થયાના એક દિવસ પહેલા ઉત્તર કોરિયાએ સબમરીનથી પ્રક્ષેપિત ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.