માણેક ચોક વીડિયો ડાઉનલોડ કરવા અહીં કરો ક્લિક
https://we.tl/t-Yce09tnD1c
– – – – – – – – – – – – – – – – – – – –
અમદાવાદમાં જૂનું અને જાણીતું ખાણીપીણીનું ઠેકાણું એટલે માણેકચોક…અમદાવાદ સહિત રાજ્યભરમાંથી આવતા લોકો અહીં ખાણીપીણીની મજા માણવાનું ક્યારેય ચૂકતા નથી. મોડી રાતે ખાણીપીણી માટે માણેકચોક લોકોની પહેલી પસંદ હોય છે. માણેકચોકમાં વર્ષ 1960થી ખાણીપીણીનું માર્કેટ ચાલે છે. ત્યારે છેલ્લા 3 દિવસથી માણેકચોકમાં સ્થિતિ બદલાઈ છે. અહિં ખાણી-પીણીની મજા માણવા આવતા લોકોને ટેબલ-ખુરશી પર નહીં પરંતુ, પાથરણાં કરી જમવાનું આપવામાં આવી રહ્યું છે. પાથરણાં કરી જમવાથી માણેકચોક જઈ ખાનારા ગ્રાહકો અને ત્યાં વેચાણ કરનારા વેપારી બંને દુઃખી છે.
સવારે સોની બજાર, સાંજે ખાણીપીણીનું માર્કેટ શરૂ થાય છે
અમદાવાદની ઓળખ સમા માણેકચોકમાં રોજ સોની બજાર બંધ થયા બાદ રાત્રીના સમયે ખાણીપીણીનું માર્કેટ શરુ થાય છે. પહેલા અહીં વિવિધ ખાણીપીણીની લારીઓ પર લોકોની ભારે ભીડે જોવા મળતી હતી. ટેબલ-ખુરશી પર બેસીને લોકો પરિવાર સાથે ગ્વાલિયા ઢોંસો, ઘુઘરા સેન્ડવીચ, માટલા કુલ્ફી સહિતની વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણતા હતા.
આ કારણે ગાયબ ટેબલ ખુરશી
જણાવી દઈએ કે, માણેકચોકને હેરિટેજ સિટીમાં સમાવવામાં આવ્યુ છે. પરંતુ, હવે અહીં સ્થિતિ બદલાઈ છે. મીડિયા અહેવાલ મુજબ, એએમસી અને અમદવાદ પોલીસે આપેલા નવા આદેશ મુજબ અહીંયાથી ટેબલ-ખુરશી હટાવવામાં આવ્યા છે, જેના કારણે હાલ અહીં જમવા આવતા લોકોને જમીન પર તાળપત્રી પાથરીને બેસાડવામાં આવી રહ્યા છે. એએમસી અને શહેર પોલીસને અચાનક ભાન થયું કે માણેકચોકમાં ખાણીપીણીનો વેપાર કરતા વેપારીઓને રસ્તા પર ટેબલ અને ખુરશીઓ ગોઠવવાની મંજૂરી નથી. આથી વહીવટી તંત્ર અને પોલીસે વેપારીઓને રસ્તા પરથી ટેબલ-ખુરશીઓ હટાવવા માટે મૌખિક આદેશ જારી કર્યા છે. કહેવાય છે કે દબાણ દૂર કરવાના હેતુથી બજારમાં AMC અને પોલીસે આ કાર્યવાહી કરી છે. પરિણામે વેપારીઓ જમવા આવતા ગ્રાહકો માટે જમીન પર તાડપત્રી પથારીને બેઠકની વ્યવસ્થા કરવા મજબૂર થયા છે. એએમસી અને પોલીસની આ કાર્યવાહીથી ગ્રાહકો અને વેપારીઓમાં રોષ છે અને વિવિધ નિયમો લાગૂ કરીને હેરાન કરતા હોવાનો આક્ષેપ વેપારીઓએ કર્યો છે.
લોકોની સંખ્યા ઘટી ગઈ
છેલ્લા 3 દિવસથી અહીંયા ગોઠવાતા ટેબલ-ખુરશી અચાનક ગાયબ થઇ ગયા છે અને લોકોને નીચે પાથરણાં કરીને બેસાડવામાં આવે અને પછી ભોજન આપવામાં આવે છે, જેથી અહીં આવતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. જે લોકો શારિરીક તકલીફના કારણે નીચે બેસી નથી શકતા તેવા લોકો અહીં આવવાનું ટાળી રહ્યા છે.