શનિવારે વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

0
17

બેઠકમાં ગત માસમાં પડતર રહેલા પ્રશ્નોની જિલ્લા કલેકટરએ છણાવટ કરી હતી. જેમાં ઉમરગામના ધારાસભ્‍ય રમણલાલ પાટકરના સોળસુંબા ગામમાં માજી સરપંચે ગૌચરની સરકારની જમીનમાં ગેરકાયદે 100થી વધુ દુકાન બનાવી હરાજી કરી કરોડોનું કૌભાંડ આચર્યું હોવાની ઘટના મામલે કલેકટરએ ઉમરગામ તાલુકા પંચાયતે શું કામગીરી કરી તે બાબતે પ્રશ્ન પૂછતા ઉમરગામ તાલુકા વિકાસ અધિકારીએ આ જમીન ગૌચરમાં કે ગામ તળમાં આવે છે કે કેમ તે જાણવુ જરૂરી હોવાનું કહેતા કલેકટરએ પ્રાથમિકતાની ધોરણે આ જમીનની માપણી કરી 15 દિવસમાં અહેવાલ સુપ્રત કરવા તાકીદ કરી હતી. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં તાલુકા પંચાયત કચેરી ઉમરગામની બાજુમાં આવેલી આસ્થા બિલ્ડિંગમાં બાંધકામની પરમિશનમાં કોમર્શિયલ દુકાનોનું બાંધકામ અને ફાયર સેફ્ટી છે કે કેમ તેના જવાબમાં ચીફ ઓફિસર ઉમરગામે જણાવ્યું હતું કે, બાંધકામ માટે પરવાનગી આપેલી છે, મંજૂરી વિના બાંધકામ થયું નથી.    વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના, હળપતિ આવાસ યોજના અને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ વલસાડ તાલુકામાં મંજૂર થયેલા આવાસ યોજનાની માહિતી માંગી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1501, પ્રાયોજના વહીવટદારે વલસાડ તાલુકામાં 184 હળપતિ આવાસો મંજૂર થયા છે તેમ જણાવ્યું હતુ. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)એ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ 43 આવાસ મંજૂર કરાયા હોવાનું જણાવ્યું હતું. વલસાડના ધારાસભ્યશ્રીએ પારનેરા, રાબડા અને નવેરામાં રિસોર્ટ સંચાલકો દ્વારા આગળના ભાગે ફેન્સિંગ કરી દબાણ કરવામાં આવ્યુ હોવાની કામગીરી સંદર્ભ કલેકટરશ્રીએ પૂછતા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એન.એન.પટેલે કહ્યું કે, જે પણ દબાણો હતા તે દૂર કરી દેવામાં આવ્યા છે. કલેકટરશ્રીએ પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડિયા તરીકે સંબંધિત વિભાગે કરવાની થતી કામગીરી અંગે માહિતી આપી વાનગી અને મિેલેટ્સનો પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું હતું. ભાગ-૨ માં જિલ્‍લા કલેકટરશ્રીએ નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે તાકીદ કરી હતી.     આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, ઈન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજયસિંહ ગુર્જર, નિવાસી અધિક કલેકટરશ્રી અનસૂયા આર.ઝા,  વલસાડ, પારડી, ધરમપુરના પ્રાંત અધિકારીઓ સર્વ નિલેશ કુકડીયા, ડી.જે.વસાવા, કેતુલ ઇટાલીયા, ઉત્તર વન વિભાગના નાયબ વનસંરક્ષક નિશા રાજ તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.