બોટાદના સાળંગપુરમાં પોલીસના મારથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલમાં મોત થયાનો પરિવારજનો અને સમાજના અગ્રણીનો આક્ષેપ કરી કાર્યવાહીની માંગ કરી છે.
પોલીસના મારથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને પહેલા સારવાર માટે ભાવનગર લઇ જવાયો હતો ત્યાંથી તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં લવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. તો બીજી તરફ યુવકના મોત બાદ પરિવારજનો અને સમાજના અગ્રણીઓમાં આક્રોશ ફેલાયો છે. અને જ્યાં સુધી જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
સમગ્ર ઘટનાની ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને બોટાદ જિલ્લા SPને તપાસના આદેશ આપ્યાં છે. હાઇકોર્ટે જિલ્લા પોલીસ વડાને પોલીસ સ્ટેશન અને હોસ્પિટલના CCTV આપવા સૂચના આપી છે. એટલું જ નહીં જવાબદાર પોલીસકર્મી સામે કડક પગલાં લેવામાં આવે તેવો પણ હાઇકોર્ટે આદેશ આપ્યો છે. આ મુદ્દે આગામી 6 જૂને હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 14 એપ્રિલના રોજ બોટાદ શહેરના સાળંગપુર રોડ પર રહેતા કાળુભાઈ ઉસ્માનભાઈને ચોરીની બાઈક અંગે પૂછપરછ માટે પોલીસ લઈ ગઈ હતી. જ્યાં કાળુને ઢોરમાર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોવાનું મૃતકના પરિવારજનોનું કહેવું છે.
મૃતક યુવાનના પરિવારજનોના કહેવા મુજબ બોટાદ પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસવાળા સાદા ડ્રેસમાં કાળુ પાસે આવ્યા હતા અને બાઈકના કાગળ માંગ્યા હતા તે વખતે કાળુએ આ પોલીસવાળાનું આઈકાર્ડ માંગતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને કાળુને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં કાળુને બેરહેમીથી ફટકાર્યા બાદ છોડી મૂકવામાં આવ્યો હતો. જે બાદ કાળુને સૌ પ્રથમ બોટાદ પછી ભાવનગર અને આખરે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એક મહિનાની સારવાર દરમિયાન આજે કાળુનું મોત થઈ જતા તપાસના આદેશ અપાયા છે.