સુરતના અડાજણ ખાતે ગ્રામીણ મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટેના ૧૧ દિવસીય ‘સરસ મેળા’માં રૂ.૩.૭૭ કરોડનું વેચાણ થયું

0
22

સુરતના અડાજણ ખાતે ગ્રામીણ મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટેના ૧૧ દિવસીય ‘સરસ મેળા’માં રૂ.૩.૭૭ કરોડનું વેચાણ થયું

 
ગુજરાતના ૧૦૦ અને દેશના વિવિધ રાજ્યોના ૫૦ જેટલા સ્ટોલમાં પ્રદર્શિત ચીજવસ્તુઓની સુરતવાસીઓએ ઉત્સાહભેર ખરીદી કરી
 
ફૂડ સ્ટોલમાં રૂ.૨૫.૯૦ લાખનું વેચાણ
 
 કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાતના ગ્રામ વિકાસ વિભાગ તથા ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.ના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાન માટે વિવિધ કલાત્મક ચીજો, ઉત્પાદનોના પ્રદર્શન સહ વેચાણ તા.૦૩ માર્ચ થી ૧૩ માર્ચ સુધી સુરતના અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ ખાતે સરસ મેળો-૨૦૨૩ યોજાયો હતો.
            રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાતના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો (સખી મંડળો)ને બજાર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. આ મેળામાં ૧૫૦ જેટલા સખીમંડળોના સ્ટોલ દ્વારા ૧૧ દિવસીય ‘સરસ મેળા’માં રૂ.૩.૭૭ કરોડનું વેચાણ થયું હતું. જેમાં લાઈવ ફૂડ સ્ટોલમાં ૨૫.૯૦ લાખ જેટલું વેચાણ થયું હતું. 
            આ મેળામાં આર્ટીસન સ્ટોલ્સ, કિડ્સ ઝોન, લાઈવ ફુડ સ્ટોલ્સ તેમજ હસ્તકલા, હેન્ડલૂમ સહિતની કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને કેરળ સહિતના રાજ્યોના ૫૦ તથા રાજ્યભરના ૧૦૦ જેટલા સ્ટોલ ઉભા કરાયા હતા. આ મેળામાં બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઈનોવેટીવ પ્રોડક્ટ અને બેસ્ટ સેલર સ્ટોલને પુરસ્કાર આપ્યા હતા. 
                   સરસ મેળામાં બેસ્ટ માર્કેટિંગ એવોર્ડ માટે કર્ણાટકના શ્રી શિવાની SHG અને ખેડા જિલ્લાના શિલ્પા સખી મંડળને પુરસ્કાર આપ્યા હતા. બેસ્ટ ઈનોવેટિવ પ્રોડક્ટ માટે એક નંબર પર નિસર્ગ ઓર્ગેનિક સખી મંડળ જેમને હર્બલ, આયુર્વેદિક અને ઓર્ગેનિક પ્રોડક્ટ, બીજા નંબરે કેરળની જનની મંડળ જેમને બિયારણ માટે અને ત્રીજા નંબરે આણંદની ગૌરી સેલ્ફ હેલ્પ ગ્રુપને પુરસ્કાર મળ્યો હતો. બેસ્ટ સ્ટોલ ડેકોરેટ અને પારંપરિક પહેરવેશ માટે પ્રથમ નંબરે હરિયાણાના લક્ષ્મી બાઈ ગ્રુપને, બીજા નંબરે સુરતના શિવસહાય જુથ અને ત્રીજા ક્રમે નીલકંઠ સખી મંડળને પુરસ્કાર મળ્યો હેતો. બેસ્ટ મોટિવેશનલ ગુજરાતના તાપી જિલ્લાની સ્વામી વિવેકાનંદ સખી મંડળને પુરસ્કાર મળ્યો હતો. બેસ્ટ સેલર તરીકે વલસાડના ઓર્ગેનિક અને હર્બલ પ્રોડક્ટ માટે મધવા સ્વસહાય જુથને પ્રથમ સ્થાન મળ્યું છે. પશ્ચિમ બંગાળના હેન્ડલૂમ માટે રચના SHGને બીજું સ્થાન મળ્યું હતું. ગુજરાતના સુરેન્દ્રનગર જયવીર સખી મંડળે હેન્ડલૂમના વેચાણમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.