સુરતમાં ચાર્જિંગમાં મુકેલું બાઇક સળગી ગયુ! લોકોમાં મચી ભાગદોડ

0
25

સુરતમાં  ઇલેક્ટ્રિક બાઇક સળગી ગયું હતું, પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને જતા હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે પણ તે હજુ સો ટકા સલામત નથી અને અવાર નવાર આવા વાહનો સળગી જતા હોવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવાજ એક બનાવમાં સુરતના કાપોદ્રા સ્થિત શાંતીવન રો હાઉસમાં રહેતા સંજયભાઈ મધુભાઈ વેકરીયાએ રવિવારે સવારે ઘર સામે તેમની ઇલેક્ટ્રીક બાઈક ચાર્જિંગમાં મુકી હતી તે દરમિયાન બાઈકમાં અચાનક આગ લાગી હતી પરિણામે ભારે ભાગદોડ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયાસ શરૂ કર્યો હતો અને ફાયર બ્રિગેડને પણ બનાવની જાણ કરતા કાપોદ્રા ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો.

જોકે,ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં તો લોકોએ બાઈકમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમે કુલિંગની કામગીરી કરી હતી. આગમાં આખી બાઈક ખાક થઈ ગઈ હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી.