આજકાલ યુવાન વયે એટેક આવતા મૃત્યુના બનાવો વધવા માંડ્યા છે અગાઉ 70 વર્ષે હાર્ટ એટેક આવતા હતા તે હવે 30 વર્ષથી આવવાના ચાલુ થઈ ગયા છે ત્યારે સુરતમાં લિંબાયત આકાર રેસીડેન્સીમાં રહેતા 34 વર્ષીય દિપક માધવ પાટીલનું પોતાના ઘરે ગરબે રમતા રમતા એટેક આવી જતા મોત થઈ ગયું હતું.
હીરાના કારખાનામાં કામ કરતા દિપક ભાઈ અને પત્નીએ ઘરમાં જ દોઢીયા રમવાનું શરૂ કર્યું હતું.
થોડા સમય બાદ તેની પત્ની બેસી ગઇ હતી. જ્યારે દિપક સતત ગરબા રમતો રહ્યો. દરમિયાન અચાનક છાતીમાં દુઃખાવો થતા તે નીચે બેસી ગયા બાદ બેભાન થઈ ગયો હતો.
જેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનેે મૃત જાહેર કર્યો હતો. દિપકનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત નિપજ્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. આ અંગે તબીબના મતે ગરબા રમતી વખતે ધબકારા અનિયમીત થયા બાદ કાર્ડિયાક અરેસ્ટ થાય તો દર્દીનું મોત થઈ શકે છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટની તકલીફ હોય તેમણે ડોક્ટરની સલાહ બાદ ગરબા રમવા જોઈએ અને ઝડપથી રમાતા ગરબા રમવાનું ટાળવું જોઈએ.
હાલ,યુવાનોમાં હાર્ટ એટેક આવવાના બનાવ વધી રહ્યા છે ત્યારે જીમમાં ભારે કસરત અને મહેનત વાળા કામો કરતા પહેલા તબીબ પાસે ચેકઅપ કરાવવું જરૂરી બન્યું છે.