સુરતમાં ઓનલાઈન ઓર્ડર કરનાર યુવતીને એકલી જોઈ ઘરે ડિલિવરી આપવા આવેલા વિધર્મી ડિલિવરી બોયની નિયત બગડી હતી અને છેડતી કરતા યુવતીએ બૂમાબૂમ કરતા આજુબાજુ માંથી લોકો ભેગા થઈ ગયા હતા અને લોકોએ કુરિયર બોયને પકડી મેથીપાક ચખાડી પોલીસને સોંપી દેતા પોલીસે વિધર્મી કુરિયર બોયની ધરપકડ કરી તેની સામે છેડતીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ સુરતના ભટાર સ્થિત ઉમરાવ નગરમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ ઓનલાઇન ખરીદી કરી હતી. ઓનલાઇન ખરીદીની વસ્તુ ઘરે ડીલીવરી મેળવવા માટે તેમણે પોતાના ઘરનું એડ્રેસ આપ્યું હતું. જેથી ગતરોજ સાંજે છ વાગ્યાના અરસામાં ફ્લિપકાર્ટ કંપનીમાં કુરિયર બોય તરીકે કામ કરતો સુફિયાન ફિરોજ પટેલ યુવતીએ ઓનલાઈન ઓર્ડર કરેલ કુરિયર આપવા માટે ઘરે આવ્યો હતો.આ દરમિયાન યુવતીના પરિવાર બહાર ગયો હોવાથી તે ઘરમાં એકલી હતી.જેને લઇ કુરિયર બોય યુવકે યુવતીનો એકલતાનો લાભ લઇ છેડતી કરી હતી.
ફ્લિપ કાર્ટનો ડિલિવરી બોય સુફિયાનને અંદાજ આવી ગયો હતો કે યુવતી ઘરમાં એકલી છે. જેથી તેણે આ તકનો લાભ ઉઠાવ્યો હતો.યુવતીએ ઓનલાઈન પેમેન્ટ કરી સ્ક્રીનશોટ બતાવવા માટે બહાર આવી હતી.ત્યારે વિધર્મી સુફિયાન પટેલે યુવતી સાથે શારીરિક અડપલા કરી તું બહુ સુંદર છે તેમ કહીને છેડતી કરતા યુવતી ગભરાઈ ગઈ હતી અને તેણીએ બુમાબૂમ કરતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા અને છેડતી કરનાર વિધર્મી યુવક સુફિયાન પટેલને પકડી મેથીપાક ચખાડ્યો હતો અને ઉમરા પોલીસને જાણ કરતા પોલીસ પીસીઆર ઘટના સાથે પહોંચી હતી. પોલીસે યુવતીની પોલીસ ફરિયાદ લઇ સુફિયાન સામે છેડતીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.