હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્ક્રિય થતા વિવિધ વિસ્તારમાં ઉનાળાની ઋતુમાં પણ માવઠું અને કરા પડી રહ્યા છે. ત્યારે સુરતમાં શુક્રવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સુરત જિલ્લાના ઉમરાપાડા તાલુકાના કેટલાક ગામોમાં ભારે પવન, કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. આથી ઊભા પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાના વાદળ ઘેરાયા છે.
કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
માહિતી મુજબ, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્ક્રિય થતા હવામાન વિભાગે રાજ્યમાં ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. શુક્રવારે સુરત જિલ્લાના કેટલાક ગામોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જ્યારે, ઉમરાપાડા તાલુકામાં આવેલા મોટાભાગના ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હોવાની માહિતી છે. ઉમરપાડા તાલુકાના રાજનીવડ, ખૌટારામપુરા, ગુલીઉમર, વડગામ, મોટીદેવરૂપણ, કોલવાણ, ડોંગરીપાડા, ઉમરદા સહિતના ગામોમાં ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે. આ સાથે સમગ્ર તાલુકમાં કાળઝાળ ગરમી પડવાને બદલે કાશ્મીર જેવી ઠંડી પડી રહી છે.
ઊભા પાકને નુકસાન થવાની ભીતિ
જાણવા મળ્યું છે કે, સુરતના ઉમરપાડા તાલુકાના વિવિધ ગામમાં અચાનક વાતાવરણમાં પલટો થતા એકાએક વરસાદ શરૂ થયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે. માવઠાંએ જગતના તાતની ચિંતા વધારી છે. બીજી તરફ શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલટીના કેસોમાં પણ વધારો થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી ભીડ જોવા મળી રહી છે. આ સાથે કોરોનાના કેસ વધવાની સાથે નવા વાયરસ H3N2ના સંક્રમણમાં વધારો થવાની વકી છે. જો કે, સ્થાનિક તંત્ર દ્વારા વધતા જતાં રોગચાળાને ધ્યાને લઈ દવાના સ્ટોક, તબીબી સેવા, વોર્ડ સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.