સુરેન્દ્રનગર જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ,82 ગામડાઓમાં અંધારપટ છવાયો,નદી-નાળા છલકાયા

0
30

 

સુરેન્દ્રનગર જિલ્લામાં જોરદાર વરસાદ પડતાં ચોટીલા પંથકમાં 82 ગામડાઓમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી નદી,નાળા છલકાઈ ગયા છે,શનિવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.
સુ.નગર જિલ્લાના લખતર અને ચુડામાં સાડા 3 ઈંચથી વધુ જ્યારે ચોટીલામાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે, સુરેન્દ્રનગર અને વઢવાણમાં પણ દોઢ ઈંચથી વધુ વરસાદ પડયાના અહેવાલ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જામતા ચોટીલા તાલુકાના ડાકવડલા ગામ પાસેનો ત્રિવેણી ઠાંગા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે તેમજ 0.10 મીટરથી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા રામપરા (રાજ), ખાટડી, શેખલિયા, મેવાસા અને લોમા કોટડી ગામના લોકોને સાવચેત કરાયા છે.
શનિવારથી સોમવાર સુધીના 3 દિવસમાં સિઝનનો કુલ 3.09 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો કુલ 70.16 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

ચોટીલા પંથકમાં ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને કારણે 10થી વધુ વીજ ટીસી બળી જતાં ચોટીલા ટાઉનની સાથે તાલુકાનાં 82 જેટલાં ગામડાંમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી.
કેટલાક વિસ્તારોમાં 15 કલાક વીજપુરવઠો ખોરવાયો હતો. ગ્રામ્ય પંથકનાં 6 ફિડર બંધ થતાં શહેર અને ગામડાંમાં 40 જેટલા કર્મચારીએ અનેક વિસ્તારોમાં વીજપ્રવાહ ચાલુ કરાવ્યો હતો. મોડી સાંજ સુધી રાજપરા વિસ્તારના 2 ફિડર શરૂ થયા ન હોવાથી રાજપરા, કાબરણ, સાલખડા વિસ્તાર વીજવિહોણો હતો. વીજપ્રવાહ 24 કલાક પછી પણ સંપૂર્ણ પૂર્વવત્ થયો નથી. અંદાજ મુજબ પીજીવીસીએલને 1 કરોડ આસપાસનું નુકસાનનો અંદાજ છે.

ભારે વરસાદને કારણે હળવદ પંથકના ઇસનપુર ગામના વોકળો છલકાતાં કાર તણાઈ હતી, જોકે કારમાં બેઠેલા ત્રણેયને બચાવી લેવાયા હતા.
જિલ્લામાં વરસાદી માહોલ જામતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
​​​​​​