અમદાવાદઃ સોનું-ચાંદી ખરીદવાનું વિચારતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આજે સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો બોલાયો છે. આજે ગુરુવારના અમદાવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 750 રૂપિયાનો મસમોટો કડાકો બોલાયો હતો. આ કડાકાને પગલે અમદાવાદમાં સોનાનો પ્રતિ 10 ગ્રામ દીઠ ભાવ ઘટીને 52,650 રૂપિયા થયો હતો. ગઇકાલ બુધવારે અમદાવાદમાં સોનાનો ભાવ 53,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
સોનાની તેમજ ચાંદીના ભાવ પણ આજે નોંધપાત્ર તૂટ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ 500 રૂપિયા તૂટ્યા છે અને તે ઘટીને પ્રતિ એક કિગ્રા દીઠ 68,300 રૂપિયા થયો હતો. અમદાવાદમાં મંગળવારે ચાંદીનો ભાવ 70,000 રૂપિયાની નજીક, 69,500 રૂપિયા પ્રતિ એક કિગ્રામ થયા હતા. છેલ્લા બે દિવસથી સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ ઘટી રહ્યા છે.
તો દિલ્હીના ઝવેરી બજારમાં પણ આજે ગુરુવારના રોજ સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા. જેમાં આજે સોનાનો ભાવમાં 714 રૂપિયાનો કડાકો બોલાયો અને 10 ગ્રામ દીઠ ભાવ 50,335 રૂપિયા થયો હતો. તો ચાંદી પણ 386 રૂપિયા ઘટીને પ્રતિ કિગ્રા દીઠ 70,094 રૂપિયા થઇ હતી.
ઉલ્લેખનિય છે કે, વૈશ્વિક બજારમાં સોના-ચાંદીન ભાવમાં મોટો કડાકો બોલાતા સ્થાનિક બજારોમાં તેમના ભાવમાં તૂટ્યા હતા. આજે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 32.20 ડોલર તૂટીને 1918 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો હતો. ટકાવારીની રીતે સોનું બે ટકા તૂટ્યુ હતુ. તો ચાંદી સાધારણ ઘટીને 27.26 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. ટકાવારીની રીતે ચાંદીમાં 1 ટકાનો ઘટાડો નોંધાયો છે.