મુંબઇઃ વૈશ્વિક બુલિયન બજારમાં મંદીના પગલે ભારતીય બજારોમાં પણ સોના-ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે. સપ્તાહના છેલ્લા દિવસે શનિવારે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાનો ભાવ 500 રૂપિયા ઘટ્યો અને પ્રતિ 10 ગ્રામનો ભાવ 47,800 રૂપિયા થયો હતો જે જૂન પછીનો સૌથી નીચો ભાવ છે. સોનાની પાછળ આજે ચાંદીના ભાવ પણ ઘટ્યા હતા. આજે સ્થાનિક બજારમાં ચાંદી 500 રૂપિયા સસ્તી થઇ હતી અને પ્રતિ એક કિગ્રાનો ભાવ 68,500 રૂપિયા હતો. ગઇકાલે શુક્રવારે અમદાવાદમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 48,300 રૂપિયા અને ચાંદીનો ભાવ 69,000 રૂપિયા પ્રતિ કિગ્રા હતો.
એમસીએક્સ ખાતે સોનાનો એપ્રિલ વાયદો 474 રૂપિયાના ઘટાડે 45767 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો ચાંદીનો માર્ચ વાયદો 1800 રૂપિયાના ધબડકામાં 67475 રૂપિયા પ્રતિ કિગ્રાના સ્તરે બંધ થયો હતો.
આ સાથે ફેબ્રુઆરી મહિનામાં સોનુ ભાવ સ્થાનિક બજારમાં 3200 રૂપિયા સસ્તુ થયુ છે. તો ચાંદીનો ભાવ 1000 રૂપિયા પ્રતિ એક કિગ્રા ઘટ્યા છે. આમ કેલેન્ડર વર્ષ 2021 દરમિયાન સતત બીજા મહિને સોના અને ચાંદીના ભાવમાં માસિક ઘટાડો નોંધાયો છે.
અમેરિકન બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિને પગલે સોના-ચાંદીના ભાવ હાલ ઘટી રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 2.57 ડોલર ઘટીને 1726.31 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બંધ થયો હતો. તો ચાંદી પણ ઘટીને 26.80 ડોલર પ્રતિ ટ્રોસ ઔંસ બંધ થઇ હતી. આમ ફેબ્રુઆરી મહિનામાં સોનાના ભાવ 6.4 ટકા ઘટ્યા છે.