અમદાવાદ ની દેવશ્રી ત્રિવેદી નામની યુવતી એ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના જસ્ટીસ પુષ્પા ગનેડીવાલા ને કોન્ડોમ મોકલી જજ ના ચુકાદા નો ખુલ્લો વિરોધ કર્યો છે. આ જજે જાતિય શોષણ ના કેસ માં સુનાવણી દરમિયાન બે વિવાદિત ચુકાદા આપ્યાં હતાં. જેમાં એક ચુકાદામાં કહ્યું હતું કે 12 વર્ષની બાળકીનું ટોપ ઉતાર્યા વિના તેના બ્રેસ્ટને ટચ કરવું પોસ્કો હેઠળ અપરાધ નથી. બીજા ચુકાદામાં તેમણે કહ્યું હતું કે બાળકીનો હાથ પકડીને પેન્ટની ચેન ખોલવી પોસ્કો હેઠળ ગુનો નથી બનતો. આ ચુકાદાના વિરોધમાં અમદાવાદની દેવશ્રી ત્રિવેદી નામની યુવતી એ જસ્ટિસ પુષ્પાની ઓફિસમાં 150 કોન્ડોમનાં પેકેટ મોકલી ને આ ચુકાદા નો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે.
જજને કોન્ડોમ મોકલનારી દેવશ્રી ત્રિવેદી નામની યુવતીએ યુટ્યૂબ પર વિડીયો પણ અપલોડ કર્યા છે, જેમાં તેણે 12 પેકેટમાં 150 જેટલા કોન્ડોમ્સ બતાવ્યા છે, અને તેને નાગપુર તેમજ હાઈકોર્ટ રજિસ્ટ્રી તેમજ જજના સત્તાવાર એડ્રેસ સહિત અલગ-અલગ જગ્યાઓએ કોન્ડોમ મોકલ્યા હોવાનું જણાવ્યું છે. આ વિડીયો 13 ફેબ્રુઆરીએ અપલોડ કરવામાં આવ્યો હતો.
દેવશ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે સગીર છોકરીઓની જાતિય સતામણી કરવાના કેસમાં જજે જે પ્રકારના એકપછી એક ચુકાદા આપ્યા છે, અને આરોપીઓને છોડી મૂક્યા છે તેનાથી પોતે વ્યથિત છે. કોન્ડોમ એ જજ દ્વારા અપાયેલા ‘સ્કીન ટુ સ્કીન’ના જજમેન્ટનું પ્રતિક છે. જેમાં 12 વર્ષની છોકરીની છાતી પર હાથ ફેરવનારા આરોપીને કોર્ટે સ્કીનથી સ્કીનનો ટચ નથી થયો તેમ કહી પોક્સોના આરોપમાં નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટનું આ જજમેન્ટ ખૂબ જ વિચિત્ર હતું અને હું પીડિતા તેમજ તેના પરિવારની પીડા સમજી શકું છું.
યુવતી આગામી દિવસોમાં વિવાદાસ્પદ ચુકાદાઓ સામે અભિયાન ચલાવશે
આગામી દિવસોમાં પોતે જસ્ટિસ ગનેડીવાલા દ્વારા પોક્સો એક્ટ હેઠળ અપાયેલા વિવાદાસ્પદ ચુકાદાઓ સામે અભિયાન શરુ કરશે તેવી વાત કરતાં દેવશ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું રાહ જોઈ રહી છું કે આપણા કોઈ રાજકીય પક્ષના નેતા દ્વારા આ અંગે કોઈ સવાલ ઉઠાવવામાં આવે છે કે નહીં. નવાઈની વાત એ છે કે, અત્યારસુધી કોઈ પિડિતાના ટેકામાં નથી આવ્યું. જેથી મેં નક્કી કર્યું હતું કે હવે હું જ આ મુદ્દો ઉઠાવીશ. હું જજને મારા સવાલોનો જવાબ આપવાનો પડકાર આપું છું. મને કોર્ટની અવમાનનાનો કોઈ ડર નથી, હું પણ કાયદો જાણું છું અને દરેકને વિરોધ કરવાનો અધિકાર છે.
ન્યાયાધીશ પુષ્પા ગનેડીવાલા બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ છે. તાજેતરમાં જસ્ટિસ પુષ્પા ગણેદીવાલાએ પોક્સો એક્ટ હેઠળ બે નિર્ણય આપ્યા હતા, જેનો ભારે વિવાદ થઈ રહ્યો છે.પુષ્પા ગણેદીવાલા મહારાષ્ટ્રના અમરાવતીના છે. તે વર્ષ 2007 માં જિલ્લા જજ બન્યા હતા અને ત્યારબાદ, નાગપુર મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ બન્યા. ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ તરીકે નિયુક્ત થયા. ફેબ્રુઆરી 2019 માં, તેમને બોમ્બે હાઇકોર્ટમાં હંગામી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા.
આ ઘટના ને લઈ ભારે ચકચાર જાગી છે.