પુણે-બેંગલુરુ હાઈવે પર રવિવારે રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક પછી એક 48 જેટલા વાહનો અથડાયા હતા. આ ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના નવલે પુલ પર બની હતી. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.
પુણે ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે, “પુણે-બેંગલુરુ હાઈવે પર નવલે પુલ પર એક મોટો અકસ્માત થયો હતો, જેમાં લગભગ 48 વાહનોને નુકસાન થયું હતું.” પુણે ફાયર બ્રિગેડ અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (PMRDA)ની બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ,
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના નવલે બ્રિજ વિસ્તારમાં રાત્રે લગભગ 8.30 વાગ્યે બની હતી. પુણે ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. કેટલાક ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે જણાવ્યું કે એક કન્ટેનરને કારણે આ અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કન્ટેનરની બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત થયો હતો. ધુમ્મસના કારણે તેજ ગતિએ આવતા વાહનો એકબીજા સાથે અથડાયા હતા.
એક અઠવાડિયા પહેલા લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર પણ આવો અકસ્માત થયો હતો. ઉન્નાવ નજીક એક લોડર પલટી જતાં પાછળથી આવતા 10 વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા. આ અકસ્માતમાં લોકોનો આબાદ બચાવ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ધુમ્મસના કારણે પાછળથી આવી રહેલા 10 વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા. આ અકસ્માત સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માત બાદ લોડર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.