74માં પ્રજાસત્તાક દીને સ્વદેશી ફિલ્ડ ગનથી 21 તોપોની સલામી, બ્રહ્મોસથી આકાશ સુધી સ્વદેશી શસ્ત્રો પ્રદર્શિત કરાયા

0
30

દેશના 74માં પ્રજાસત્તાક પર્વ દીને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9:51 વાગ્યે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ કરી હતી. આ પછી તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સલામી ડાયસ પર સ્વાગત કર્યુ અને રાષ્ટ્રપતિ મુર્મુએ સવારે 10:30 કલાકે ધ્વજ ફરકાવ્યો હતો આ પછી ફરજ માર્ગ પર પરેડ શરૂ થઇ ગઈ છે.

આ પ્રજાસત્તાક દિવસની પરેડમાં માત્ર મેડ ઈન ઈન્ડિયા એટલે કે સ્વદેશી શસ્ત્રો અને દારૂગોળો પણ સ્વદેશી પ્રદર્શિત કરાયો છે. ભારતમાં બનેલી 105 એમએમની ભારતીય ફીલ્ડ ગનમાંથી પ્રથમ વખત 21 તોપોની સલામી આપવામાં આવી હતી.

મહત્વનું છે કે અત્યાર સુધી આ સલામી બ્રિટિશ 21 પાઉન્ડર ગનથી આપવામાં આવતી હતી.
આ ઉપરાંત નવા ભરતી થયેલા અગ્નિવીર પણ આ વખતે પરેડનો ભાગ બન્યા છે. તે જ સમયે, બીએસએફની ઊંટ ટુકડીના ભાગરૂપે મહિલા સૈનિકો અને નૌકાદળની ટુકડીના 144 સૈનિકોની લીડર પણ મહિલાઓ છે.

પરેડ સવારે 10:30 વાગ્યે દિલ્હીના વિજય ચોકથી શરૂ થઈ છે, સેનાની ટુકડી લાલ કિલ્લા સુધી કૂચ કરી રહી છે, આ વખતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આત્મનિર્ભર ભારત પર ફોક્સ કરાયું છે અને પરેડમાં દર્શાવવામાં આવેલા તમામ હથિયારો દેશમાં જ બનાવવામાં આવ્યા છે. આ વખતે સશસ્ત્ર દળોની આઠ માર્ચિંગ ટુકડીઓ સામેલ થઇ છે, ઉપરાંત પોલીસ અને અર્ધલશ્કરી દળોની ટુકડીઓ પણ સામેલ છે. ગણતંત્ર દિવસની ઉજવણી બે કલાક અને 14 મિનિટ પછી એટલે કે બપોરે 12:05 વાગ્યે સમાપ્ત થશે.