નિઝામુદ્દીન મરકઝમાં યોજાયેલી ધાર્મિક બેઠકમાં સામેલ કેટલાક લોકોની કોરોના વાયરસથી મોત અને કોરોના ગ્રસ્ત હોવાના કેસો સામે આવતા જ આ પ્રકરણ પરથી પડદો ઉઠતાની સાથે જ ભારત સરકારે તબલીગી પ્રવૃતિઓ માટે વિદેશથી આવનારા લોકોને ટૂરિસ્ટ વીઝા ન આપવાનો નિર્ણય લીધો છે.
નિઝામુદ્દીન પ્રકરણ ખુલતા જ તબલીગી જમાતના દેશના અન્ય મરકઝોમાં પણ વિદેશીઓ આવ્યા હોવાનો માલૂમ પડ્યુ છે. તેલંગાણાથી લઇને યુપી અને ઝારખંડ સુધી તમામ રાજ્યોની અનેકો મસ્જિદોમાંથી અત્યાર સુધી 700થી વધારે વિદેશીઓને પકડી લેવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના લોકો ટૂરિસ્ટ વીઝા પર ભારતમાં આવ્યા હતા અને અહીં આવીને ધાર્મિક પ્રચારની વૃત્તિમાં સામેલ થયા હતા. આ ખુલાસા પછી ભારત સરકારે જાહેર કર્યુ છે કે, ટૂરિસ્ટ વીઝા પર આવેલા લોકો જે મિશનરી પ્રવૃતિઓમાં ભાગ લે છે તેમણે વીઝા નિયમોનો ભંગ કર્યો છે આથી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
નિઝામુદ્દીન મરકઝમાં 216 વિદેશીઓ સિવાય લખનઉમાંથી 14, રાંચીની મસ્જિદોમાંથી 30, પટણાની મસ્જિદોમાંથી 10 વિદેશીઓને પકડી લેવામાં આવ્યા છે.
ભારત સરકારે નિર્ણય લીધો છે કે જો કો વિદેશી ભારત આવીને તબલીગી પ્રવૃતિમાં ભાગ લેવા ઇચ્છશે તો તેને ટૂરિસ્ટ વીઝા ઇશ્યુ કરવામાં આવશે નહી. આ નિર્ણય એ ખુલાસા પછી લેવામાં આવ્યો જેમાં પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી ભારતના તમામ ભાગોમાં તબલીગી પ્રવૃતિમાં ભાગ લેવા માટે આશરે 2100 વિદેશીઓ આવ્યા હતા. જેમાંથી ઘણા લોકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત હતા અને અહીં કોરોના ફેલાવાના માધ્યમ બન્યા છે.
આ સાથે નિઝામુદ્દીન તબલીગી હેડક્વાર્ટરને પણ સરકાર દ્વારા જાણ કરવામાં આવી છે કે ટૂરિસ્ટ વીઝા પર ભારત આવી મિશનરી પ્રવૃતિમાં ભાગ લેનારાઓને વીઝા નિયમો ભંગ કરનારા માનવામાં આવશે. તેઓને ટૂરિસ્ટ વીઝા પર તબલીગી પ્રવૃતિઓમાં ભાગ લેવાની પરવાનગી નથી.