ઓઈલ કંપનીઓએ ઘરની રસોઈમાં રાહતનો ડોઝ આપ્યો છે. સરકારે નેચરલ ગેસની કિંમતોમાં 26 ટકાનો કાપ મૂકીને પાઈપ્ડ નેચરલ ગેસની કિંમતોમાં રાહત આપવાના સંકેત આપ્યાં છે. બીજી તરફ IOCL તરફથી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સતત બીજા મહિને કાપ મૂકીને કરોડો લોકોને મોટી રાહત આપી છે.
આ કાપ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે દેશમાં કરોના વાઈરસના કારણે લૉકડાઉનની સ્થિતિ છે અને દેશ આર્થિક સંકટ સામે જજૂમી રહ્યો છે. અનેક કિંમતો મોડી રાત્રે 12 વાગ્યાથી લાગૂ થઈ ચૂકી છે. કિંમતોની વાત કરીએ તો દેશના ચાર મોટા શહેરોમાં ઘર વપરાશના ગેસ સિલિન્ડરની કિંમતોમાં 61 રૂપિયાથી 65 રૂપિયા પ્રતિ સિલિન્ડર કાપ મૂકાયો છે. જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો પણ 96 રૂપિયાથી લઈને 101 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટી છે.