ભારતીય જનતા પાર્ટી માટે આજે મોટો દિવસ છે. 6 વર્ષથી કેન્દ્રની સત્તામાં વિરાજમાન બીજેપીને આજે નવા પાર્ટી અધ્યક્ષ મળશે. આજે થનાર રાષ્ટ્રીય અધ્યક્ષના ચૂંટણીમાં જેપી નડ્ડાની પસંદગી પાક્કી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત કેટલાક દિગ્ગજ નેતા હાજર રહેશે. અમિત શાહ પાછલા સાડા પાંચ વર્ષથી પાર્ટીની કમાન સંભાળી રહ્યાં છે તેમનું કાર્યકાળ પણ હવે ખત્મ થશે.
આ પહેલા જેપી નડ્ડાને બીજેપીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. બીજેપીની સંસદીય બોર્ડમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મોદી અને શાહના નજીકના અને બીજેપીને યૂપીમાં 80માંથી 62 સીટ જીતાવનાર જેપી નડ્ડાને હવે કાર્યકારી અધ્યક્ષમાંથી પાર્ટીની પૂરેપૂરી કમાન સોંપવામાં આવી શકે છે. 2019 લોકસભા ચૂંટણીથી પહેલા નડ્ડાને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. યૂપીમાં એસપી-બીએસપીનું ગઠબંધન થયું ત્યાર બાદ રાજકિય પંડિતોએ બીજેપીના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. જોકે, તે છતાં પણ નડ્ડાએ ત્યાં બીજેપીને 80માંથી 62 સીટો અપાવી દીધી.
જેપી નડ્ડાની રાજકિય સફર
જેપી નડ્ડા પ્રથમ વખત 1993માં બિલાસપુરથી ધારાસભ્ય બન્યા હતા. તે પછી 1998થી 2003 અને 2007થી 2012 સુધી બિલાસપુર સદરથી નડ્ડા ધારાસભ્ય બન્યા હતા. આ વચ્ચે 1998થી 2003 સુધી તેઓ હિમાચલના સ્વાસ્થ્ય મંત્રી પણ રહ્યાં. સાથે જ 2008થી 2010 સુધી હિમાચલમાં જેપી નડ્ડાને વન અને પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજીનું મંત્રી બનાવવામાં આવ્યા. વર્ષ 2012માં નડ્ડા હિમાચલથી રાજ્યસભા માટે પસંદગી થઈ. વર્ષ 2014માં મોદી સરકાર આવ્યા બાદ જેપી નડ્ડા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી બન્યા.
જેપી નડ્ડા 70ના દશકમાં થયેલા જેપી આંદોલનથી પ્રભાવિત થઈને વિદ્યાર્થી રાજનીતિમાં સક્રિય થયા હતા. પટના રહ્યાં તે સમયગાળા દરમિયાન નડ્ડાએ આરએસએસ એકમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા. તે બાદ તેઓ 1977-1979 સુધી પટના યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પરિષદના સેક્રેટરી રહ્યાં. જેપી નડ્ડાના રાજકિય સફરની શરૂઆત અહીંથી જ થઈ.
પટનામાં વિદ્યાર્થી પરિષદનું કામ કર્યા બાદ નડ્ડાએ હિમાચલ પ્રદેશ ગયા. જેપી નડ્ડા હિમાચલ પ્રદેશ વિદ્યાર્થી પરિષજના સચિવ અને સહ સચિવના પદ પર રહ્યાં. વર્ષ 1983માં નડ્ડાએ હિમાચલ પ્રદેશ યૂનિવર્સિટીના વિદ્યાર્થીમાં અધ્યક્ષ પદ પર જીત મેળવી.
જેપી નડ્ડાએ વિદ્યાર્થી પરિષદના અલગ-અલગ પદો પર કામ કર્યું. કુશળ રણનીતિ અને સક્રિયતાના કારણે વિદ્યાર્થી પરિષદમાં નડ્ડા ઉત્તરોતર પ્રગતિ કરતા ગયા. વર્ષ 1986માં નડ્ડા વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સચિવ અને સંગઠન મંત્રી બનાવવામાં આવ્યા. 1989માં ભષ્ટ્રાચાર વિરૂદ્ધ નડ્ડાએ એક આંદોલન છેડ્યુ અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ મોર્ચો ખોલી દીધો. તે માટે તેમની ધરપકડ કરવામાં આવી અને 45 દિવસ સુધી જેલમાં વિતાવ્યા.
રાષ્ટ્રીય રાજનીતિમાં એન્ટ્રી
1989 અને 1990 લોકસભા ચૂંટણીમાં જેપી નડ્ડાને યુવા આંદોલનમાં ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા હતા. અહીંથી જ નડ્ડાએ રાષ્ટ્રીય રાજનીતિમાં એન્ટ્રી થઈ. વર્ષ 1990-91 સુધી નડ્ડા હિમાચલ પ્રદેશ બીજેપીના સેક્રેટરી બન્યા. જણાવી દઈએ કે, નડ્ડા 31 વર્ષની ઉંમરમાં જ (1991થી 1994 સુધી) ભારતીય જનતા યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.