શિક્ષણ સમિતિની કચેરી ખાતે શિક્ષકોની અછતના મુદ્દે આપના નેતા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

0
67

છેલ્લા એક વર્ષથી અમે સતત રજૂઆતો કરતાં આવ્યા છીએ કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. અત્યાર સુધીની તમામ સામાન્ય સભાઓમાં અમે આ મુદ્દો તાર સ્વરે ઉઠાવ્યો છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.

આજે સમિતિની ૩૩૪ જેટલી શાળાઓમાં મળીને કુલ ૧૫૦૦થી વધુ શિક્ષકોની અછત છે, એની સામે થોડા અમથા પ્રવાસી શિક્ષકો મુકીને સમિતિ એમ કહે છે કે આ પ્રવાસી શિક્ષકોથી કામ ચલાવો. માત્ર ૮૮ શાળાઓને પ્રવાસી શિક્ષકો આપેલ છે, બાકીની ૨૪૬ શાળાઓનું શું ? નાનપુરામાં આવેલી શાળા નંબર ૨૦ (અંગ્રેજી માધ્યમ)માં ધોરણ ૧ થી ૮માં માત્ર એક શિક્ષક છે એને કોઈ શિક્ષક આપેલ નથી અને જે ૮૮ શાળાઓને શિક્ષકો આપવામાં આવેલ છે એને પણ જરૂરિયાત કરતાં અડધા શિક્ષકો જ આપેલ છે.

શિક્ષણ એ તો અવિરત ચાલતી પ્રક્રિયા છે તો એમાં પ્રવાસી શિક્ષકો શા માટે ? અને હજુ તો પ્રવાસી શિક્ષકોની પણ વાતો ચાલે છે, શાળાઓ તો શિક્ષકો વિનાની જ છે. પ્રવાસી શિક્ષકો નીમવાના જ હતા તો શાળા શરુ થયા બાદ કેમ સમિતિ જાગે છે ? વેકેશનમાં શું કર્યું ?

એટલે આ બધા નાટકો છે, આવતીકાલથી ત્રણ દિવસ માટે પ્રવેશોત્સવના નામે પોતાની પાર્ટીનો પ્રચાર કરવાનો કાર્યક્રમ ભાજપે ઘડી નાખ્યો છે અને એ કાર્યક્રમ સામે કોઈ સવાલ ન ઉભા થાય એટલે આજે ઓર્ડર કાઢવાનું નાટક ભાજપના શાસકો કરી રહ્યા છે.

આજે વિરોધ થવાનો છે એની જાણ થતા જ સમિતિ અધ્યક્ષ શ્રી ધનેશ શાહ પોતાની ઓફીસને તાળું મારીને ભાગી ગયા હતાં.