દરિયામાં લો પ્રેશરને કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જે બાદ નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી. બુધવારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. દ્વારકાના કલ્યાણપુર અને રાવળ વિસ્તારના ખેતરો તળાવ બની ગયા છે. ખેડૂતોને તેમના ખેતરો સુધી પહોંચવા માટે બોટનો સહારો લેવાની ફરજ પડી રહી છે. દ્વારકામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખંભાળિયાના બેહ અને બારામાં પુલ પરથી પાણીના પ્રવાહમાં એક યુવક ફસાઈ ગયો હતો. સ્થાનિક સરપંચ અને તેમની ટીમે તેને બચાવી લીધો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી. આરોગ્ય શાખામાં ફરજ બજાવતા અક્ષય નામના યુવકને સ્થાનિક સરપંચ અને તેમની ટીમે પુલ પરથી બચાવી લીધો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 7 થી 9 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. દ્વારકાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાવળ વિસ્તારના ખેતરો નદી બની ગયા છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને 8 અને 9 જુલાઈના રોજ ભારે વરસાદની સંભાવના છે. આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે. પાંચ દિવસ દરમિયાન વલસાડ, નવસારી, કચ્છ, જામનગર અને દ્વારકામાં ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આગામી પાંચ દિવસ દરમિયાન મધ્યમથી હળવો વરસાદ પડવાની સંભાવના છે.