Million-Dollar Bankbook: ઘરની સફાઈ દરમિયાન મળેલી જૂની પાસબુકે સામાન્ય વ્યક્તિને બનાવ્યો કરોડપતિ
Million-Dollar Bankbook: ઘણિવાર આપણે ઘરમાં સફાઈ કરીએ ત્યારે જૂના કાગળના ટુકડા, રસીદો કે નકામા લાગતા દસ્તાવેજો મળી આવે છે. સામાન્ય રીતે, આ વસ્તુઓ કચરામાં ફેંકી દેવામાં આવે છે. પણ કલ્પના કરો કે આવી જ કોઈ ચીજ તમારી જિંદગી પલટાવી શકે – એ પણ એવી રીતે કે તમે એકદમ સામાન્ય જીવનથી સીધા કરોડપતિ બની જાઓ. ચિલીમાં રહેતા એક વ્યક્તિ સાથે એવું કંઈક હકીકતમાં બન્યું.
એક્સીવીલ હિનોજોસા નામના વ્યક્તિએ પોતાના ઘરમાં સામાન્ય સફાઈ દરમિયાન એક જૂની બેંક પાસબુક શોધી કાઢી. આ પાસબુક તેના પિતાની હતી, જેમનું દસ વર્ષ અગાઉ અવસાન થયું હતું. તેના પિતા વર્ષો પહેલાં, 1960ના દાયકામાં, એક સ્થિર રકમ બેંકમાં રાખી ગયા હતા – લગભગ ₹1.4 લાખની રકમ – તે સમયની કિંમત પ્રમાણે આ રકમ ઘણું મોટું રોકાણ હતું.
હિનોજોસાને આ બાબત વિશે કશી માહિતી નહોતી. પણ જ્યારે તેમને આ પાસબુક મળી, ત્યારે તેણે ધ્યાનથી તેની માહિતી વાંચી. પાસબુકમાં સ્ટેટ ગેરંટીનો ઉલ્લેખ હતો – અર્થાત, જો બેંક બંધ થઈ ગઈ હોય તો સરકાર આ રકમની ભરપાઈ કરશે. જેને સામાન્ય રીતે લોકો અવગણતા હોય છે, એ જ ટૂંક સમયમાં હિનોજોસાને વિશ્વાસ અપાવનાર આશા બની ગઈ.
હિનોજોસાએ તરત જ સરકારને પોતાના પિતાના ખાતામાં રહેલા પૈસાની માંગ સાથે અરજી કરી. શરૂઆતમાં તેની અરજી નકારી કાઢવામાં આવી, પણ તેણે હાર માન્યા વિના કાનૂની લડત શરૂ કરી. આ લડતમાં તેણે સાબિત કર્યું કે તેની પાસે મૂળ દસ્તાવેજ છે અને સરકાર દ્વારા અપાયેલી ગેરંટીના તેઓ હકદાર છે.
અંતે ન્યાયલયે સરકારને આ રકમ વ્યાજ સાથે પરત કરવાની સૂચના આપી. તેને કુલ $1.2 મિલિયન (અંદાજે ₹10.28 કરોડ) મળ્યા. એક સાધારણ વ્યક્તિ, જેને ખબર પણ નહોતી કે તેના પિતાએ વર્ષો પહેલાં શું બચત કરી હતી, તે અચાનક કરોડપતિ બની ગયો.
આ ઘટના એ સાબિત કરે છે કે ક્યારેક કચરો સમાન લાગતી વસ્તુઓ પણ નસીબ બદલાવી શકે છે – શરત એટલી કે તમારું ધ્યાન અને વિશ્વાસ બંને મજબૂત હોવા જોઈએ.