રાકેશ અસ્થાનાના પાસપોર્ટની તપાસનો ધમધમાટ, સુરત પાસપોર્ટ ઓથોરિટીને CBIનું તેડું

લાંચ કેસનો સામનો કરી રહેલા સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના ડિપ્લોમેટીક પાસપોર્ટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના પોલીસ કમિશનર પદે રાકેશ અસ્થાના હતા ત્યારે સુરતમાં તેમણે ડિપ્લોમેટીક પાસપોર્ટ બનાવ્યો હતો અને ઓર્ડિનરી પાસપોર્ટ એટલે કે બ્લ્યુ પાસપોર્ટ સુરત પાસપોર્ટ ઓફિસમાં જમા કરાવી દીધો હતો.

વિશ્વસનીય સૂત્રોએ આપેલી માહિતી મુજબ રાકેશ અસ્થાનાએ 2016માં અમેરિકા અને યુકેની મુલાકાત લીધી હતી. અમેરિકામાં તેઓ વોશિંગ્ટન ડીસીની હોટલ હયાત રેજન્સી ઓન કેપિટલ હીલમાં રોકાયા હતા. આ ઉપરાંત વિજય માલ્યાના કેસના અનુસંધાને તેમણે યુકેની પણ મુલાકાત લીધી હતી. આ તમામ યાત્રાઓ તેમણે ડિપ્લોમેટીક પાસપોર્ટ પર કરી હતી. ડિપ્લોમેટીક પાસપોર્ટ સીધી રીતે પ્રોટોકોલમાં આવે છે અને જે કોઈ પણ યાત્રા કરવાની હોય છે તેની જાણકારી એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીને કરવાની હોય છે.

વિગતો મુજબ ડિપ્લોમેટીક પાસપોર્ટ ધરવાનાર અધિકારીએ પોતાના ઓર્ડિનરી પાસપોર્ટ એટલે કે બ્લ્યુ પાસપોર્ટને ઓથોરિટીને જમા કરાવી દેવાનો હોય છે. રાકેશ અસ્થાના સુરતના પોલીસ કમિશનર હતા ત્યારે તેમણે પાસપોર્ટ ઓથોરિટીને બ્લ્યુ પાસપોર્ટ જમા કરાવી દીધો હતો. સીબીઆઈના અધિકારીઓએ પાસપોર્ટની સંપૂર્ણ ડિટેઈલની જાણકારી માટે સુરત પાસપોર્ટ ઓથોરિટીને તેડું મોકલાવ્યું હોવાની જાણકારી મળી રહી છે.

સીબીઆઈના અધિકારીઓએ વડોદરામાં તપાસ કરી છે અને હવે સુરતમાં પણ ખાંખાંખોળા કરવામાં આવે તેવી શક્યતા છે. સુરતના પોલીસ અધિકારીઓ અને બિલ્ડરો હાલ ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા છે. અસ્થાના વિરુદ્વની તપાસનો રેલો તેમના સુધી પહોંચી શકે એમ હોવાથી સુરતમાં ભારે ચર્ચા જાગેલી છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com