લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2023 ની પ્રથમ મેચ શુક્રવારે રાત્રે દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઈન્ડિયા મહારાજા અને એશિયા લાયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી એશિયન ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા, જ્યારે પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર ભારત મહારાજાના કેપ્ટન હતા. પ્રથમ મેચમાં શાહિદ આફ્રિદીની ટીમે ગૌતમ ગંભીરની ટીમને 9 રનથી હરાવીને ટૂર્નામેન્ટની જીત સાથે શરૂઆત કરી હતી. એશિયા લાયન્સની આ જીતનો હીરો મિસ્બાહ ઉલ હક હતો જેણે 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ટુર્નામેન્ટમાં કુલ ત્રણ ટીમો ભાગ લઈ રહી છે. ઈન્ડિયા મહારાજા અને એશિયા લાયન્સની સાથે વર્લ્ડ જાયન્ટ્સની ટીમમાં પણ સામેલ છે જેની કેપ્ટન્સી એરોન ફિન્ચ કરશે.
આ મેચમાં શાહિદ આફ્રિદીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમની શરૂઆત સારી રહી ન હતી કારણ કે ઓપનર તિલકરત્ને દિલશાન અને અસગર અફઘાન સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જો કે આ પછી ઉપુલ થરંગા અને મિસ્બાહ-ઉલ-હકે ટીમને સંભાળી અને મોટા સ્કોરનો રસ્તો બતાવ્યો. થરંગાએ 40 અને મિસ્બાહે 50 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 73 રન બનાવ્યા હતા. એશિયા લાયન્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા.
આ સ્કોરનો પીછો કરવા આવેલી ઈન્ડિયા મહારાજાની ટીમની શરૂઆત પણ સારી રહી ન હતી. સોહેલ તનવીરે પહેલી જ ઓવરમાં રોબિન ઉથપ્પાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી ગૌતમ ગંભીરે 39 બોલમાં 54 રન અને મુરલી વિજયે 19 બોલમાં 25 રન ફટકાર્યા હતા પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા ન હતા.
ટૂર્નામેન્ટની આગામી મેચ આજે એટલે કે 11 માર્ચે વર્લ્ડ જાયન્ટ્સ અને ઈન્ડિયા મહારાજા વચ્ચે રમાશે.