પારિવારિક વિવાદે લીધો ભયાનક વળાંક
Amreli village brutal axe attack: અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં એક રક્તરંજિત બનાવે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક વૃદ્ધ પર કુહાડી વડે એવો નિર્દયતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો કે તેમના બંને પગ કાપી નાખવામાં આવ્યા. સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થતાં, આ બનાવે હત્યાના ગુનામાં રૂપાંતર લીધું છે. પોલીસ દ્વારા હાલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે.
માહિતી મુજબ, ગોંડલના રહેવાસી 60 વર્ષીય દિનેશભાઈ સોલંકી થોડા દિવસો પહેલા પત્ની સાથેના ઝઘડાને કારણે ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં તેઓ પોતાના ભાણેજના ઘરે, અરજણસુખ ગામે આવેલા હતા. ત્યાંથી જ તેમને તેમના સાળા તરફથી ફોન આવ્યો હતો કે, “આવો, વાત કરી સમાધાન કરી લઈએ.” પરંતુ એ સમાધાન ઘાતક સાબિત થયું.

જ્યારે દિનેશભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે સાળા કાનો ઉર્ફે કાનજી મેરામ, હકુ મેરામ, જુદુરામ મેરામ અને બાઘો મેરામ સહિતના શખ્સોએ કુહાડી અને લોખંડના પાઇપ વડે તેમના પર તાબડતોબ હુમલો કર્યો. હુમલો એટલો ભયાનક હતો કે વૃદ્ધના બંને પગ કપાઈ ગયા હતા. આરોપીઓએ હુમલાની વચ્ચે મૃતકના ભાણેજને ફોન કરીને કહ્યું કે, “તમારી ફૂઈ રતનને અહીં લઈ આવો, સમાધાન કરી લઈએ.” પરંતુ ત્યારસુધીમાં દિનેશભાઈ લોહીલુહાણ હાલતમાં બેભાન પડી ગયા હતા.
ભાણેજે કપાયેલા પગને એક કોથળામાં મૂકી વૃદ્ધને પહેલેથી અમરેલી હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ ગંભીર ઈજાઓને કારણે દિનેશભાઈએ દમ તોડી દીધો હતો. આ રીતે ઘરેલું ઝઘડો ભયાનક હત્યામાં બદલાયો હતો. મૃતક દિનેશભાઈ ત્રણ દીકરા અને બે દીકરીના પિતા હતા અને ચોકીદારી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

હાલ વડિયા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાઈ ગયો છે અને આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત છે. પોલીસ સૂત્રો અનુસાર, હુમલાનું કારણ પરિવારની અંદર ચાલી રહેલો લાંબા સમયનો વિવાદ હોવાનું અનુમાન છે. આ ઘટના સામે આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોએ આ હત્યાને કુટુંબની દુશ્મનીનું સૌથી નૃશંસ રૂપ ગણાવ્યું છે.

