મુલાયમની વહુ ડિમ્પલ મૈનપુરીથી ચૂંટણી લડશે, પરિવારમાં જ રહેશે વારસો

0
38

યુપીની મૈનપુરી લોકસભા સીટની પેટાચૂંટણી માટે સપાએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. મૈનપુરી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ડિમ્પલ યાદવ હશે. વાસ્તવમાં મૈનપુરી સીટ મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ખાલી પડી હતી. યાદવ પરિવારનો મૈનપુરી સીટ પર દાયકાઓથી કબજો છે. મુલાયમ સિંહ યાદવનો રાજકીય વારસો કોણ સંભાળશે તે અંગે પણ ચર્ચાઓ તેજ થઈ હતી. હવે સપાએ જાહેરાત કરી છે કે ડિમ્પલ યાદવ મુલાયમની સીટ પરથી ચૂંટણી લડશે.

મુલાયમ સિંહ યાદવના નિધન બાદ મૈનપુરી લોકસભા સીટ ખાલી જાહેર કરવામાં આવી છે. આ સીટ 1996થી સપા પાસે છે. પાંચ વખત મુલાયમ સિંહ યાદવ અને બે વખત બલરામ સિંહ યાદવ અહીંથી ચૂંટણી જીત્યા છે. પેટાચૂંટણી જીતવી એ સપા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. તેને ધ્યાનમાં રાખીને અખિલેશ યાદવ રાજકીય સમીકરણો બનાવવામાં વ્યસ્ત છે.

આજથી નામાંકન શરૂ થયું

લોકસભા પેટાચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. આ નોમિનેશન પ્રક્રિયા 10 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી ચાલશે. નોંધણી દરમિયાન કોઈ સમસ્યા ન સર્જાય, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ મોડી રાત સુધી તૈયારીઓ ચાલુ રાખી હતી. ડીએમ, એસપીએ તેમના તાબાના અધિકારીઓ સાથે સંયુક્ત અને અલગ બેઠકો યોજી છે. કલેક્ટર કચેરીને સીલ કરી દેવામાં આવ્યું છે. ફક્ત ઉમેદવારો અને તેમના પ્રસ્તાવકો જ પ્રવેશ કરી શકશે.