બિહાર દારૂનો કહેર : છપરામાં નકલી દારૂ પીવાથી 7 લોકોના મોત, 15ની આંખોની રોશની ગઈ, 30ની હાલત ગંભીર

0
119

ગુજરાત બાદ હવે બિહારમાં નકલી દારૂનો કહેર જોવા મળ્યો છે. છપરામાં નકલી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. આ સાથે જ આ ઝેરી દારૂ પીવાથી 11 લોકોએ પોતાની આંખોની રોશની ગુમાવી દીધી છે. પીએમસીએચમાં બીમારોની સારવાર ચાલી રહી છે. કેટલાક લોકોને છપરા હોસ્પિટલ અને ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારનું બ્રેથ એનાલાઈઝરથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે 2 ઓગસ્ટના રોજ પાનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી દારૂ પીવાથી બે લોકોના મોત થયા હતા. આ મામલામાં પોલીસ અનેક લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી હતી. ત્યારે જિલ્લામાંથી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.

તાજો મામલો છપરાના મકર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ભાથા ફુવારિયાના રહેવાસી ચંદન મહતો અને કમલ મહતોનું અહીં નકલી દારૂ પીવાથી મોત થયું હતું, જ્યારે અન્યને પીએમસીએચમાં સારવાર આપવામાં આવી રહી હતી. મોડી રાત્રે મળેલી માહિતી મુજબ, પીએમસીએચમાં દાખલ અન્ય 5 લોકોના મોત થયા છે, જ્યારે તપાસમાં સામે આવ્યું છે કે 11 લોકોની આંખોની રોશની ગઈ છે.

ઝેરી દારૂની ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છે. હાલમાં 30 લોકોની પીએમસીએચમાં સારવાર ચાલી રહી છે. બ્રેથ એનાલાઈઝર વડે સમગ્ર ગામનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ પ્રશાસન પણ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.