બિહાર ચૂંટણી પરિણામ 2025: કોંગ્રેસનું રોકેટ ફરી ‘મિસ ફાયર’, વોટ ચોરીનો ‘હાઇડ્રોજન બોમ્બ’ ફૂસ થયો
બિહારમાં NDA ની લીડ અને મહાગઠબંધનની નબળી સ્થિતિએ સ્પષ્ટ કરી દીધું છે કે રાહુલ ગાંધીના વોટ ચોરી અને હાઇડ્રોજન બોમ્બના દાવા હાલ પૂરતા નિષ્ફળ રહ્યા છે. જોકે, સસ્પેન્સ હજુ બાકી છે.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની મતગણતરી જેમ જેમ અંતિમ તબક્કામાં પહોંચી રહી છે, તેમ તેમ વલણો સ્પષ્ટ કરી રહ્યા છે કે NDA ની સરકાર ફરીથી બનતી જોવા મળી રહી છે. શરૂઆતી રાઉન્ડમાં ભાજપ (BJP) અને જેડીયુ (JDU) 167 બેઠકો પર લીડ જાળવી રાખી છે, જ્યારે મહાગઠબંધનની સ્થિતિ નબળી દેખાઈ રહી છે. કોંગ્રેસના ‘વોટ ચોરી’ના દાવાઓ અને રાહુલ ગાંધીનો ‘હાઇડ્રોજન બોમ્બ’નો દાવો હાલ પૂરતો નિષ્ફળ થતો જણાય છે. બિહારના પરિણામો હવે માત્ર રાજ્યનું જ નહીં, પરંતુ વિપક્ષની વ્યૂહરચનાનો પણ અરીસો બની રહ્યા છે.

કોંગ્રેસને સૌથી વધુ નુકસાન
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની મતગણતરીમાં શરૂઆતી વલણો સામે આવતા જ રાજકીય ગલિયારા ગરમાયા છે. NDA 190 બેઠકો પર લીડ જાળવીને રાજ્યમાં સરકાર બનાવવાનો રસ્તો સાફ કરી રહ્યું છે. આ દરમિયાન મહાગઠબંધન માત્ર 38 બેઠકો પર જ આગળ ચાલી રહ્યું છે.
ભાજપ 90 અને જેડીયુ 80 બેઠકો પર આગળ છે.
જ્યારે RJD માત્ર 29 અને કોંગ્રેસ 05 બેઠકો પર જ લીડ જાળવી શકી છે, જ્યારે લેફ્ટ 6 બેઠકો પર આગળ છે.
શરૂઆતી વલણો પ્રમાણે, કોંગ્રેસને સૌથી વધારે નુકસાન થયું છે.
‘વોટ ચોરી’ ની રણનીતિ નિષ્ફળ
ચૂંટણી પહેલા કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ જોરશોરથી આરોપ લગાવ્યો હતો કે ભાજપ દરેક રાજ્યમાં વોટ ચોરી કરીને સરકારો બનાવે છે. બિહારમાં પણ તેમણે ‘વોટ ચોરી’ને લઈને હાઇપ ઊભો કર્યો હતો. રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલના પરિણામો પર ભાર મૂકીને દાવો કર્યો હતો કે ભાજપ અને ચૂંટણી પંચ મળીને લોકતંત્રની હત્યા કરી રહ્યા છે. કોંગ્રેસે ચેતવણી પણ આપી હતી કે આ મુદ્દો ચૂંટણી પંચ અને કોર્ટ બંને સુધી જશે.

‘હાઇડ્રોજન બોમ્બ’ ફૂસ નીકળ્યો
પરંતુ બિહારના વલણો દર્શાવે છે કે રાહુલ ગાંધીના આ દાવાઓ હાલમાં જમીન પર ટકી રહ્યા નથી, તેને હવા-હવાઈ કહેવું જ યોગ્ય રહેશે. કોંગ્રેસનું વોટ બેન્ક અગાઉની અપેક્ષાએ નબળું દેખાઈ રહ્યું છે. તેમના ‘હાઇડ્રોજન બોમ્બ’ જેવા નિવેદનો, જેને ચૂંટણી પહેલા મોટા નાટકીય અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા, તે હવે ફૂસ થતા જોવા મળી રહ્યા છે. NDA ની લીડ અને મહાગઠબંધનની નબળી સ્થિતિએ સ્પષ્ટ કરી દીધું છે કે બિહારમાં જનતાનો મૂડ અને ચૂંટણી વલણો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે.
બિહાર ચૂંટણીમાં કોંગ્રેસની શાખ પર ઊંડો અસર
રાજકીય વિશ્લેષકો જણાવે છે કે બિહારમાં આ સ્પષ્ટ સંકેત છે કે લોકોએ રાજ્યમાં NDA ગઠબંધનને વિશ્વાસ આપ્યો છે. ભાજપ અને જેડીયુનું પ્રદર્શન સતત મજબૂત રહ્યું છે અને તેમની વ્યૂહરચના સફળ સાબિત થઈ રહી છે. બીજી તરફ, કોંગ્રેસને માત્ર બેઠકોમાં જ નહીં, પરંતુ તેની શાખ પર પણ અસર થઈ છે. અંતે પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસનું ‘રોકેટ’ નિષ્ફળ થઈ રહ્યું છે અને વોટ ચોરીનો ‘હાઇડ્રોજન બોમ્બ’ પણ ફૂસ થઈ ગયો છે. બિહારની જનતાએ પોતાની તાકાત બતાવી અને NDA માટે જીતનો રસ્તો સરળ થતો જાય છે.

