અમદાવાદ: યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદને બદલે વહીવટદારો દ્વારા માઇ ભક્તોને સિંગની ચિક્કી પધરાવી દેવાની પ્રથા શરૂ કરવાના કથિત કારસા સામે ભક્તોમાં રોષ ફેલાયા બાદ સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા લોકોના દાનથી મોહનથાળ શરૂ કરીને તંત્ર સામે મોરચો ખોલ્યો છે પરંતુ હવે ખુદ ભાજપના જ સ્થાનિક ઉપ પ્રમુખે તંત્ર મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ભક્તો સાથે ચેડાં કર્યા હોવાનો આક્રોષ વ્યક્ત કરીને રાજીનામું ધરી દીધુ છે.
અંબાજી ભાજપના ઉપપ્રમુખ સુનિલ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, હું અંબાજીમાં રહું છું અને જ્યારથી સમજણ આવી ત્યારથી ભાજપ પાર્ટી સાથે જોડાયેલો હતો. છેલ્લા ટર્મમાં હું અંબાજી ભાજપના ઉપપ્રમુખની જવાબદારી નિભાવતો હતો. છેલ્લા આઠ દિવસથી માતાજીના રાજભોગ અને મોહનથાળ માટે અમે લડત ચલાવી રહ્યાં છીએ. મને એમ હતું કે, અધિકારી કે પદાધિકારીની કોઈ સૂચના આવશે કે એમનો કોઈ નિર્ણય આવશે એની રાહ જોઈ, પરંતુ માતાજીની શ્રદ્ધાની સામે એ લોકો એ ચેડા કર્યા છે.
માતાજીના દર્શન કરવા એ બધા આવે છે ત્યારે અમે બધા તેમની સાથે દોડીએ છીએ. પણ આજ દિવસ સુધી કોઈ પદાધિકારીએ કે કોઈ મંત્રીએ અમારો સંપર્ક કર્યો નથી. ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકાથી હું ખુબજ દુ:ખી છું. ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય અને સક્રિય સહિત અંબાજી મંડળના ઉપપ્રમુખ પદેથી હું રાજીનામું આપું છું. સાથે સાથે હું વિનંતી કરું છું કે, ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને જોઈ ફરીથી માતાજીના મંદિરે મોહનથાળ શરૂ કરાય.