સમગ્ર જિલ્લામાં બ્લડ યુનિટની કમી વધી, રેડક્રોસે તાત્કાલિક રક્તદાન અભિયાનની અપીલ કરી
માનવ જીવન બચાવવામાં સર્વોત્તમ માનવામાં આવતું રક્તદાન છેલ્લા કેટલાક મહિનાઓમાં લોકોની પ્રાથમિકતાઓમાંથી જાણે દૂર થતા, નવસારી બ્લડ બેન્કમાં ગંભીર રક્તઅછત ઉભી થઈ છે. તહેવારો પૂરા થયા પછી અને લગ્ન-પ્રસંગોની સિઝન શરૂ થતાં મોટા પ્રમાણમાં લોકો વ્યસ્ત થઈ ગયા છે, જેનાથી રક્તદાનની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. આ અછતનો સીધો અસર દર્દીઓ અને હોસ્પિટલોની તાત્કાલિક જરૂરિયાતો પર પડી રહી છે.
માંગ વધી, ડોનર્સ ઘટ્યા
સામાન્ય દિવસોમાં બ્લડ બેન્કમાં 50થી 70 યુનિટની માંગ રહેતી હતી, પરંતુ હાલ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. દરરોજ 100થી વધુ યુનિટની માંગ આવી રહી છે, જ્યારે ડોનર્સની હાજરી ખૂબ ઓછી છે. તહેવારો બાદ અને ઉનાળાની ઋતુમાં આવી સ્થિતિ વારંવાર સર્જાતી હોય છે, પરંતુ આ વખતે દરેક બ્લડ ગ્રુપની અછત વધુ ગંભીર બની છે. રેડક્રોસ સોસાયટીના ડૉ. ધાનાણીના જણાવ્યા મુજબ, લોકોની વ્યસ્તતા અને બ્લડ ડોનેશન કેમ્પોની ઘટતી સંખ્યા આ પરિસ્થિતિ માટે મુખ્ય જવાબદાર છે. તેમણે જણાવ્યું કે “દર્દીઓની જરૂરીયાતો અટકતી નથી, પરંતુ લોકો રક્તદાન માટે આગળ નથી આવતાં. સૌએ માનવતાની ભાવના સાથે રક્તદાન કરવું જરૂરી છે.”

જિલ્લામાં અન્ય તાલુકાઓને પણ અસર, દર્દીઓને અન્ય જિલ્લામાં દોડાદોડી
નવસારી ઉપરાંત વાંસદા, ચીખલી, જલાલપોર જેવા તાલુકાઓના દર્દીઓ પણ અહીંથી રક્ત મેળવે છે, પણ હાલની કટોકટીથી તેમને અન્ય જિલ્લાઓનો સહારો લેવાનો વારો આવ્યો છે. ખાસ કરીને કિડનીના દર્દીઓ, ડાયાલિસિસ પર રહેલા લોકો, પ્રસૂતિ દરમિયાન રક્તની જરૂર હોય તેવી સ્ત્રીઓ તેમજ અકસ્માતગ્રસ્ત દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ ન હોવાથી સારવારમાં વિલંબ થતો રહ્યો છે. રેડક્રોસ સોસાયટીના અધિકારીઓ જણાવે છે કે લગ્ન-સમારંભો અને ધાર્મિક કાર્યક્રમોની સિઝનમાં લોકો કેમ્પોમાં હાજરી આપતા નથી, જેના કારણે રક્ત સંગ્રહ ખૂબ ઓછું થયું છે. તેઓએ તમામ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને રક્તદાન કેમ્પો યોજવાની વિનંતી કરી છે.

રક્તદાન માનવતાનો આધાર, નિયમિત ડોનર્સની અપીલ
100થી વધુ વખત રક્તદાન કરનાર ગુણવંતભાઈએ જણાવ્યું હતું કે રક્તદાન માત્ર સેવા નથી, પરંતુ કોઈને જીવનદાન આપવાની તક છે. સ્વસ્થ વ્યક્તિએ દર ત્રણ મહિને રક્તદાન કરવાનું નૈતિક કર્તવ્ય નિભાવવું જોઈએ. હાલ સર્જાયેલી અછત પૂરી કરવા દરેક વ્યક્તિ આગળ આવે તે જરૂરી છે.

