ઈજાથી પરેશાન ટીમ ઇન્ડિયા સામે આજે ઘાયલ બાંગ્લાદેશી ચિત્તાઓનો પડકાર

એશિયા કપમાં પોતાનાં બંને ગ્રૂપ જીતી લઈને સુપર ફોરમાં પહોંચી ચૂકેલી ભારતીય ટીમ સામે આજે બાંગ્લાદેશના રૂપમાં હવે એક એવી ટીમ છે, જે કોઈ પણ સમયે કોઈ પણ ટીમને માત આપી શકે તેમ છે, જોકે ગઈ કાલે અફઘાનિસ્તાન સામે પરાજય થતાં બાંગ્લાદેશી ચિત્તા ઘાયલ જરૂર થયા છે. બીજી બાજુ ટીમ ઇન્ડિયા પણ પોતાના ખેલાડીઓની ઈજાઓથી પરેશાન છે. ભારતીય ટીમ હોંગકોંગ અને પાકિસ્તાનને હરાવી ચૂકી છે, જ્યારે બાંગ્લાદેશે પ્રથમ મેચમાં શ્રીલંકાને માત આપી હતી, પરંતુ અફઘાનિસ્તાન સામે તેનો શરમજનક પરાજય થયો હતો. ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધીઃ ગત બુધવારે ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને આઠ વિકેટે જરૂર હરાવી દીધું, પરંતુ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સહિત શાર્દૂલ ઠાકુર અને અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થઈ જવાથી ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ટીમ ઇન્ડિયા માટે આજે બાંગ્લાદેશ સામેના મુકાબલામાં હાર્દિકનું સ્થાન ભરવાનો સૌથી મોટો પડકાર છે. હોંગકોંગ અને પાકિસ્તાન સામે સતત બે મેચ રમવાના કારણે ફાસ્ટ બોલર ભુવનેશ્વરકુમારને પણ આરામ અપાય તેવી શક્યતા છે. ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહમદ સ્વિંગ માસ્ટર ભુવનેશ્વરનું સ્થાન લે તેવી શક્યતા છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે હાર્દિકના સ્થાને કોને અંતિમ ઇલેવનમાં સામેલ કરાશે. ગઈ કાલે બીસીસીઆઇએ જાણકારી આપી હતી કે અક્ષરના સ્થાને સિદ્ધાર્થ કૌલને ટીમમાં સામેલ કરાયો છે, જ્યારે હાર્દિકના સ્થાને દીપક ચહલને બોલાવાયો છે. આ ખેલાડી ગઈ કાલે જ દુબઈ પહોંચ્યા છે. હાર્દિકને કમરમાં ઈજા થઈ છે, જ્યારે અક્ષરની આંગળીમાં ઈજા થઈ છે. મધ્યક્રમને મનીષ પાંડે મજબૂતી આપી શકેઃ હાર્દિક ઈજાગ્રસ્ત થતાં મનીષ પાંડેની આજની મેચમાં રમવાની શક્યતાઓ વધી ગઈ છે, જ્યારે કેદાર જાધવની ઓફ સ્પિન બોલિંગ કમાલ કરી રહી છે. આથી એવી આશા રાખવામાં આવી રહી છે કે કેદાર હાર્દિકના ક્વોટાની ઓવર પૂરી કરશે. ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવને પહેલી બંને મેચમાં સારા એવા રન બનાવ્યા છે. અંબાતી રાયડુ અને દિનેશ કાર્તિક પણ પાકિસ્તાન સામેની મેચમાં સારું રમ્યા હતા. ધોનીનું ફોર્મ ચિંતાનો વિષયઃ મહેન્દ્રસિંહ ધોનીનું ફોર્મ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બની શકે છે. આ સ્થિતિમાં એ જોવું રહ્યું કે શું કેપ્ટન રોહિત ધોનીને આજે બાંગ્લાદેશ સામે ટોચના ક્રમે બેટિંગમાં ઉતારીને સેટ થવા અને ફોર્મમાં પાછા ફરવા તક આપે છે કે કેમ. ૨૦૧૫ના વિશ્વકપની ક્વાર્ટર ફાઇનલ બાદથી બાંગ્લાદેશ ભારતને પોતાના કટ્ટર હરીફ તરીકે જોઈ રહ્યું છે. ઘાયલ બાંગ્લાદેશને નબળું ન આંકી શકાયઃ ગઈ કાલે ભલે બાંગ્લાદેશની ટીમ અફઘાનિસ્તાન સામે બહુ ખરાબ રીતે હારી ગઈ હોય, પરંતુ એ ટીમને નબળી આંકવાની ભૂલ કરી શકાય તેમ નથી. ઘાયલ બાંગ્લાદેશી ચિત્તા વધુ ખતરનાક બની શકે તેમ છે. કેપ્ટન મુશરફે મુર્તઝાનું નેતૃત્વ અને મુશ્ફિકુર રહીમ, શાકિબ અલ હસનનો અનુભવ ટીમને સારી દિશા આપી શકે છે. એ ઉપરાંત ફાસ્ટ બોલર મુસ્તફિઝુર અને રુબેલ હુસેન પણ ભારતીય બેટ્સમેનોની મુશ્કેલીમાં વધારો કરી શકવા સક્ષમ છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com