વડોદરાની રાધા યાદવને CM ભૂપેન્દ્ર પટેલે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા
CM Honours Radha Yadav: મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 (Women’s Cricket World Cup 2025) માં ભારતને વિજય અપાવનાર ટીમની મુખ્ય ઓલરાઉન્ડર વડોદરાની રાધા યાદવ (Radha Yadav) એ તાજેતરમાં ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) સાથે સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ રાધા યાદવને સાલ ઓઢાવી સન્માનિત કરી, મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં આપેલા શાનદાર યોગદાન બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતની મહિલા ક્રિકેટ ટીમે વિશ્વ મંચ પર જે ઇતિહાસ રચ્યો છે તે દેશની દરેક દીકરી માટે પ્રેરણાદાયક છે. તેમણે રાધા યાદવને ભવિષ્યમાં વધુ સફળતાઓ મેળવે તે માટે શુભકામનાઓ આપી. આ અવસરે મહિલા અને બાળકલ્યાણ મંત્રી ડો. મનિષાબેન વકીલ (Dr. Manishaben Vakil) પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાધા યાદવ – ભારતની ઉર્જાસભર ઓલરાઉન્ડર
રાધા યાદવે પોતાના ક્રિકેટ કારકિર્દીની શરૂઆત ખુબ નાની ઉંમરે કરી હતી. વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા સામેની આંતરરાષ્ટ્રીય મેચમાં તેમણે ભારતીય મહિલા ટીમ માટે પ્રથમ વખત રમવાનો મોકો મેળવ્યો હતો. ત્યારથી રાધાએ સતત પ્રદર્શન સુધાર્યું છે અને અનેક મહત્વપૂર્ણ મેચોમાં ટીમને જીત અપાવી છે.
આંકડાઓ મુજબ, રાધા યાદવે અત્યાર સુધી 14 વન-ડે મેચમાં 13 વિકેટ, જ્યારે 89 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 103 વિકેટ અને 1967 રન નોંધાવ્યા છે. તેમના આ ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે તેઓ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મજબૂત કડી બની ગઈ છે.

ગુજરાતની ધરતી પરથી ઉભરેલી આ યુવતી હવે વિશ્વસ્તરે ભારતનું ગૌરવ વધારી રહી છે. રાજ્ય સરકાર દ્વારા મળેલું આ સન્માન રાધા યાદવ માટે માત્ર ગૌરવની ક્ષણ નથી, પરંતુ આગામી પેઢીની મહિલા ખેલાડીઓ માટે પણ એક પ્રેરણાસ્ત્રોત છે.

