જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બાળકી પર સામૂહિક દુષ્કર્મ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં દુષ્કર્મકાંડ આચરાયા બાદ મહિલા સંગઠનોથી માંડીને વિરોધી પાર્ટીઓનો દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે.સમગ્ર દેશમાં અત્યારે ઉગ્ર વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે.રાહુલ ગાંધીએ આ મામલે કેન્ડલ યાત્રા યોજી હતી.
તો બોલીવુડ જગતના અને રમત જગતના માંધાતાઓએ પણ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી આ મામલાને વખોડ્યો હતો. સાથે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી લાગણી દર્શાવી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં નાની બાળકીઓ સાથે થઇ રહેલી દુષ્કર્મની ઘટનાઓ અંગે મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું, 2016માં 19,675 સગીર બાળકોની સાથે દુષ્કર્મના કેસ નોંધાવવા શરમજનક બાબત છે. જો વડાપ્રધાન પીડિતાઓને ન્યાય અપાવવા માટે ગંભીર હોય તો તેમણે આવા કેસોનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ અને દોષિતોને કડક સજા અપાવવી જોઈએ. અા મામલાને ગંભીરતાથી લેવાની જરૂર છે.