ભારતમાં ફરી એકવાર કોવિડના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં કોવિડ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. ગયા અઠવાડિયે, દેશભરમાં 1898 નવા કોરોના કેસ નોંધાયા હતા. જો કે, આ સંખ્યા કોવીડના કેસની કુલ સંખ્યા કરતા ઘણી ઓછી છે, પરંતુ કોરોનાના કેસોમાં વધારાના આંકડા ચોક્કસપણે ચેતવણીજનક છે.
ગત રવિવારે પૂરા થયેલા સપ્તાહમાં કોરોના કેસમાં 63 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે છેલ્લા સપ્તાહમાં તેમાં 39 ટકા અને તે પહેલા 13 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 27 ફેબ્રુઆરી, 2023 થી 5 માર્ચ દરમિયાન નોંધાયેલા આ આંકડામાં મોટી સંખ્યા દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રની છે. કર્ણાટકમાં સૌથી વધુ 473 કેસ નોંધાયા છે. આ પછી કેરળમાં 410 અને મહારાષ્ટ્રમાં 287 કેસ નોંધાયા છે.
કોરોનાના કેસોમાં આ વધારો એવા સમયે જોવા મળી રહ્યો છે જ્યારે દેશમાં ફ્લૂના કેસમાં તેજી જોવા મળી રહી છે. રાહતની વાત એ છે કે કોવીડ મૃત્યુ દરમાં કોઈ વધારો થયો નથી. કોવિડના આંકડા અનુસાર, ગયા અઠવાડિયે દેશમાં કોરોના વાયરસના ચેપના 1898 નવા કેસ નોંધાયા છે. તેના અગાઉના બે સપ્તાહમાં અનુક્રમે 1163 અને 839 કેસ નોંધાયા હતા. આ આંકડો અત્યારે બહુ વધારે નથી, પરંતુ જો આમ જ વધતો રહેશે તો ચિંતાનું કારણ બનશે.
3 અઠવાડિયાથી કોરોનાના કેસોમાં થયેલા વધારાએ ધ્યાન ખેંચ્યું હશે, પરંતુ વાસ્તવમાં આ સંખ્યા સતત 5 અઠવાડિયાથી વધી રહી છે.