ગુજરાતમાં હાલ ભાજપે લોકસભાની ચૂંટણી જીતવા માટે અભિયાન શરૂ કરી દીધું છે ત્યારે વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલયનું વિરમગામમાં ઉદઘાટન પ્રસંગે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જે ટોણો માર્યો તે સાંભળી ઉપસ્થિત લોકો હસી પડ્યા હતા.
આ પ્રસંગે હાર્દિક પટેલે જ્યારે સીઆર પાટીલને બજરંગ બલીની મૂર્તિ ભેટમાં આપી ત્યારે સીઆર પાટીલે કહ્યું કે ” હાર્દિક પટેલે હવે લોકસેવામાં જોડાઈ જવું પડશે તેઓએ મને હનુમાનજીની મૂર્તિ ભેટમાં આપી છે ત્યારે તેઓ હનુમાનજીની જેમ કૂદકા નહિ મારે તે નક્કી છે”
આ સાંભળી હાજર લોકો હસી પડ્યા હતા.
જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હાર્દિક પટેલને સમયનો લાભ લેતા આવડે છે.
અત્રે નોંધનીય છે કે ભાજપ 156 ધારાસભ્યમાં હાર્દિક પટેલ સતત વિવાદમાં રહે છે,ભાજપ સાથે બાથ ભીડનાર આંદોલનકારીમાંથી નેતા બનેલા હાર્દિક પટેલની અત્યારસુધીની રાજકીય સફર સતત વિવાદમાં રહી છે.
એક સમયના પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને હવે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલયનું વિરમગામમાં ઉદઘાટન હતુ જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.