ચેન્નઇ : ચેન્નઇ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ડેવિડ વિલીએ અંગત કારણોસર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2019માંથી પોતાનું નામ પાછું ખેચી લીધું છે. વિલીના ઘરે બીજા સંતાનનો જન્મ થવાનો છે અને તેના કારણે તે પોતાના ઘરે પત્ની સાથે રહેવા માગે છે, તેથી તે આ સિઝનમાં આઇપીએલમાં નહીં રમે. આઇપીએલની 12મી સિઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સમાં સામેલ 8 વિદેશી ખેલાડીઓમાંથી ડેવિડ વિલી એક છે.
ચેન્નઇની ટીમમાંથી આ પહેલા દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર લુંગી એન્ગીડી ઇજાને કારણે આઉટ થઇ ગયો હતો. હવે તેમની પાસે માત્ર છ વિદેશી ખેલાડી બચ્યા છે. હજુ સુધી આ બંનેના સ્થાને ચેન્નઇ દ્વારા કોઇ અન્ય ખેલાડીને સામેલ કરવા અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.સીએસકેની સત્તાવાર વેબસાઇટ પરથી વિલીએ કહ્યું હતું કે મારી પત્ની થોડા મુશ્કેલ સમયમાંથી પસાર થઇ છે, તેથી હું ઇચ્છું છું કે તે એકદમ સારી રહે. ચેન્નઇ ઘણું સમજદાર અને સહકારયુક્ત રહ્યું છે. તેણે વધુમાં કહ્યું હતું કે આ સરળ નિર્ણય નહોતો પણ તે યોગ્ય નિર્ણય તો છે જ.