નવી દિલ્હી : ભારતીય ટીમના માજી વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે 2004માં આજના દિવસે જ મતલબ કે 29મી માર્ચના દિવસે જ પાકિસ્તાનના મુલતાનમાં રમાયેલી ટેસ્ટમાં ટેસ્ટની એક જ ઇનિંગમાં 300થી વધુ રન કરીને ઇતિહાસ રચ્યો હતો, તેની આ ઇનિંગને કારણે પાકિસ્તાની ખેલાડીઓની ઉંઘ હરામ થઇ ગઇ હતી. ટેસ્ટ ક્રિકેટની એક જ ઇનિંગમાં 300 કે તેનાથી વધુ રન કરનારો સેહવાગ પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. તેની આ ઇનિંગનેં કારણે તેને મુલતાનનો સુલતાન અને નજફગઢનો નવાબ એમ બે ઉપનામ મળ્યા હતા.
2004માં 28 માર્ચથી શરૂ થયેલી ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ શરૂ કરી હતી. સેહવાગ અને આકાશ ચોપરા ઓપનીંગમાં બેટિંગ કરવા ઉતર્યા હતા અને સેહવાગે ટેસ્ટના બીજા દિવસે 29 માર્ચે આ સિદ્ધિ મેળવી હતી, તે ત્રેવડી સદી ફટકારનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. સેહવાગે 375 બોલમાં 309 રનની જોરદાર ઇનિંગ રમી હતી.
આ દરમિયાન તેણે 39 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. ત્રણ ટેસ્ટની સિરીઝની આ પ્રથમ ટેસ્ટ હતી તેમાં ભારતીય ટીમે સેહવાગની આ જોરદાર ઇનિંગને પગલે 52 રને વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ 5 વિકેટે 675 રને ડિકલેર કરી હતી. જેની સામે પાકિસ્તાનની પ્રથમ ઇનિંગ 407 રને સમેટાયા પછી ફોલોઓન થઇને બીજો દાનવ 216 રને સમેટાયો હતો.