હૈદરાબાદ : ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ સ્ટીવ સ્મીથ અને ડવિડ વોર્નર પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા લગાવાયેલો એક વર્ષનો પ્રતિબંધ શુક્રવારે પુરો થઇ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ પ્રકરણને પગલે આ બંને પર આ પ્રતિબંધ 28 માર્ચ 2018ના રોજ લાગુ કરાયો હતો. શુક્રવારે તેમના પરનો આ પ્રતિબંધ પુરો થયો છે ત્યારે આઇપીએલમાં એ બંને એકબીજાની સામે રમશે.
આઇપીએલની હાલની સિઝનમાં ડેવિડ વોર્નરની સનરાઇઝર્સ અને સ્ટીવ સ્મીથની રાજસ્થાન રોયલ્સ પોતાની પહેલી મેચ હારી ચુકી છે. ત્યારે શુક્રવારની મેચ એ બંને માટે મહત્વની રહેશે. એક તો તેમના પરનો પ્રતિબંધ પુરો થઇ રહ્યો છે અને બીજું કે એ બંને ટીમો પોતાના પહેલા વિજય માટે મેદાન પર પુરજોશથી પ્રયત્નો કરશે.
સ્ટીવ સ્મીથનું પ્રદર્શન પહેલી મેચમાં ફીકુ રહ્યું
આઇપીએલની હાલની સિઝનની પોતાની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ વતી રમતા સ્ટીવ સ્મીથનું પ્રદર્શન એટલું નોંધપાત્ર રહ્યું નહોતું. પંજાબ સામેની મેચમાં સ્મીથ 16 બોલમાં માત્ર 20 રન કરીને આઉટ થયો હતો. સ્મીથ આઇપીએલમાં એક વર્ષના ગેપ પછી રમી રહ્યો હતો અને તેના કારણે તે સારું પ્રદર્શન કરે તેવી ઓસ્ટ્રેલિયન ક્રિકેટની પણ ઇચ્છા રહી હશે, કે જેથી તેને વર્લ્ડ કપના દાવેદારોમાં સામેલ કરી શકાય.
ડેવિડ વોર્નરે પહેલી મેચથી જ રિધમ પકડી લીધી
આઇપીએલમાં ડેવિડ વોર્નરે પહેલી મેચથી જ રિધમ પકડી લીધી હતી અને તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની પ્રથમ મેચમાં જોરદાર બેટિંગ કરીને 53 બોલમાં 85 રન ઝુડી કાઢીને પોતાનું ફોર્મ દાખવી દીધું હતું. વોર્નરે જે રીતે બેટિંગ કરી તે જોતા લાગતું નહોતું કે તેણે આ વર્ષ દરમિયાન પોતાનું ફોર્મ ગુમાવ્યું હોય.
જો વિલિયમ્સન ટીમમાં પાછો ફરશે તો બેયરસ્ટોએ બહાર બેસવું પડશે
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સનની ખભાની ઇજા જો સારી થઇ ગઇ હશે તો તે શુક્રવારની રાજસ્થાન રોયલ્સ સામેની મેચ રમશે, જો તે ટીમમાં પાછો ફરશે તો સંભવતઃ જોની બેયરસ્ટોએ બહાર બેસવું પડી શકે છે. કારણકે અન્ય વિદેશી ખેલાડીમાં એક રાશિદ ખાન છે જ્યારે બીજો શાકિબ અલ હસન છે. આ સ્થિતિમાં હવે હૈદરાબાદ ટીમ મેનેજમેન્ટ વિલિયમ્સનના સમાવેશ માટે બોલરને તો બહાર નહીં જ બેસાડે, તેથી સંભવતઃ બેયરસ્ટો બહાર બેસશે, પણ જો વિકેટકીપીંગનો ઓપ્શન નહીં હોય તો શાકિબને બહાર બેસાડવામાં આવી શકે તેમ છે.