ડેવિડ વોર્નર ઈજાના કારણે ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર, શું તે વનડે શ્રેણીમાં વાપસી કરી શકશે?

0
52

ભારત સામેની ચાર મેચોની ટેસ્ટ શ્રેણી વચ્ચે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ બાદ ઓપનર ડેવિડ વોર્નર પણ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ દરમિયાન વોર્નરને ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના બે બોલ વાગી ગયા હતા. સિરાજનો એક બોલ વોર્નરના હાથમાં અને એક બોલ તેના માથામાં વાગ્યો. માથા પર બોલ વાગવાથી વોર્નર દિલ્હી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો અને તેના સ્થાને મેથ્યુ રેનશોને કન્સશન રિપ્લેસમેન્ટ તરીકે લેવામાં આવ્યો હતો. હવે એવા અહેવાલ છે કે સિરાજનો બોલ વોર્નરના હાથમાં વાગવાને કારણે ઓપનરને હેરલાઇન ફ્રેક્ચર થયું છે, જેના કારણે તે આગામી બે ટેસ્ટ રમી શકશે નહીં. વોર્નર ભારત પ્રવાસમાંથી બહાર થયા બાદ સ્વદેશ પરત ફરશે.

વોર્નર પહેલા ઝડપી બોલર જોશ હેઝલવુડને ભારતના પ્રવાસમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હેઝલવૂડ પગની ઈજાથી સંઘર્ષ કરી રહ્યો હતો, તેણે ભારતના પ્રવાસ પર આ ઈજામાંથી બહાર આવવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તે મેચ માટે ફિટ થઈ શક્યો નહીં.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “ડેવિડ વોર્નરને ભારતના ટેસ્ટ પ્રવાસમાંથી બાકાત રાખવામાં આવ્યો છે અને તે સ્વદેશ પરત ફરશે. દિલ્હીમાં બીજી ટેસ્ટમાં વોર્નરને કોણીમાં ઈજા થઈ હતી અને તેને હેરલાઈન ફ્રેક્ચર થયું હતું. વધુ મૂલ્યાંકન બાદ તે સ્વદેશ પરત ફરશે. તેને પુનર્વસનની જરૂર છે અને તે આગામી મેચો ચૂકી જશે. હાલમાં એવો અંદાજ છે કે તે ટેસ્ટ શ્રેણી પછી ત્રણ વનડે માટે ભારત પરત ફરશે.”
ટેસ્ટ સીરીઝની વાત કરીએ તો ચાર મેચની આ સીરીઝની પ્રથમ બે મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયા 0-2થી પાછળ છે. પેટ કમિન્સનો નાગપુરમાં એક દાવ અને 132 રનથી પરાજય થયો હતો, જ્યારે ભારતે તેમને દિલ્હી ટેસ્ટમાં 6 વિકેટથી હરાવ્યું હતું. આ સતત બે પરાજય બાદ ઓસ્ટ્રેલિયા પાસેથી ટેસ્ટ ક્રિકેટમાં નંબર 1નો તાજ પણ છીનવાઈ ગયો છે. સિરીઝની ત્રીજી મેચ 1 માર્ચથી ઈન્દોરમાં રમાવાની છે.