દિલ્હી: ભગીરથ પેલેસ માર્કેટની આગ કાબૂ બહાર, 40 ફાયર ટેન્ડર સ્થળ પર હાજર; બિલ્ડિંગનો મોટો ભાગ ક્ષતિગ્રસ્ત

0
58

જૂની દિલ્હીના ચાંદની ચોક સ્થિત ભગીરથ પેલેસ માર્કેટની દુકાનોમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે 40 ફાયર એન્જિન રાતથી જ પ્રયાસો કરી રહ્યા છે. જોકે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગ આગને કાબૂમાં લેવા માટે રિમોટ કંટ્રોલ ફાયર એક્સટીંગ્વિશર્સનો ઉપયોગ કરી રહ્યું છે.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાત્રે 9:19 વાગ્યે ભગીરથ પેલેસમાં દુકાનોમાં આગ લાગવાનો કોલ આવ્યો હતો. ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન આગ આસપાસની અનેક દુકાનોમાં ફેલાઈ ગઈ હતી.

દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે શુક્રવારે જણાવ્યું હતું કે જૂની દિલ્હીના ચાંદની ચોકમાં ગુરુવારે રાત્રે લાગેલી આગની ઘટનામાં સ્થિતિ બહુ સારી નથી અને બિલ્ડિંગના મોટા ભાગને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે 40 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. આગ ઓલવવાની કામગીરી સતત ચાલી રહી છે. સવાર સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવશે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

અરાજકતાનું વાતાવરણ : માર્કેટમાં લાગેલી આગ પ્રબળ જ્વાળાઓ સાથે પ્રસરી રહી હતી. એક પછી એક દુકાન સતત ધડાકાભેર અથડાઈ રહી હતી. બજારમાં અરાજકતાનો માહોલ હતો. ભડકેલી જ્વાળાઓથી દુકાનદારોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. બીજી તરફ આસપાસના દુકાનદારો તેમની દુકાનો અને માલસામાન બચાવવામાં વ્યસ્ત હતા.

દુકાનો બંધ કરાઈ : માર્કેટની અંદરની દુકાનો મોડી રાત્રે બંધ થઈ ગઈ હતી. દુકાનદારો અને કર્મચારીઓ ઘરે ગયા હતા. માર્કેટમાં હલચલ ઓછી જોવા મળી હતી, પરંતુ આગની જાણ થતાં જ લોકોના ટોળા બજારમાં પહોંચી ગયા હતા.

ભારે નુકસાનની આશંકા
માર્કેટની ઘણી દુકાનોમાં આગ લાગવાને કારણે ભારે નુકશાન થવાની આશંકા છે. જો કે આગ ઓલવ્યા બાદ જ અંદાજ લગાવી શકાય છે, પરંતુ દુકાનદારોના જણાવ્યા મુજબ દુકાનોમાં લાખોનો સામાન પડ્યો હતો.

ઘટનાસ્થળની મુલાકાતે ગયેલા ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધને જણાવ્યું હતું કે ચાંદની ચોકમાં આગ લાગી હતી તે મુખ્ય બિલ્ડિંગ ધીમે ધીમે તૂટી રહી છે કારણ કે બે માળ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. ફાયર એન્જિન અને પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે, એમ તેમણે જણાવ્યું હતું.