નવી દિલ્હી : નવા વર્ષના પહેલા દિવસે ઓટો સેક્ટર તરફથી સારા સમાચાર આવ્યા છે. ડિસેમ્બરમાં મારુતિ સુઝુકીના વેચાણમાં 2.5 ટકાનો વધારો થયો છે. મારુતિએ ડિસેમ્બર મહિનામાં કુલ 1,22,784 કારનું વેચાણ કર્યું છે.
ડિસેમ્બર 2018 માં, કંપનીએ 1,19,804 વાહનોનું વેચાણ કર્યું હતું. છેલ્લા એક વર્ષથી ઓટો ક્ષેત્રમાં થયેલા ઘટાડા અને ઓટો ક્ષેત્રમાં સુસ્તીને જોતા આ રાહતના સમાચાર છે.
નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લાં એક વર્ષમાં ઓટો ક્ષેત્રની હાલત ખરાબ હતી. આ પહેલા તહેવારોની સીઝનમાં એટલે કે ઓક્ટોબરમાં મારુતિના વેચાણમાં વધારો થયો હતો, ત્યારબાદ નવેમ્બરમાં મારુતિના વેચાણમાં ફરી 3.3 ટકાનો ઘટાડો થયો હતો.
જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2019 માં ખૂબ જ મામૂલી વૃદ્ધિ પછી મારુતિનું વેચાણ સતત સાત મહિના સુધી ઘટ્યું. જુલાઈ અને ઓગસ્ટમાં મારુતિના વેચાણમાં અનુક્રમે 35 અને 36 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વર્ષ 2019 દરમિયાન મારુતિએ 14,87,739 વાહનોનું વેચાણ કર્યું છે.
જોકે, ડિસેમ્બરમાં મારુતિના એન્ટ્રી લેવલ (હેચબેક) કાર સેગમેન્ટ (અલ્ટો, એસ-પ્રેસો અને ઓલ્ડ વેગન આર) માં 13.6 ટકાનો ઘટાડો થયો છે અને તેમાં 23,883 વાહનો વેચાયા છે.