ગુજરાતનાં લઘુમતી સમાજનાં સર્વાંગી વિકાસ માટે હક-અધિકાર આપવા અંગે સુરત કોંગ્રેસના અગ્રણી,માઈનોરિટી અધિકાર સમિતિ-સુરતના કન્વીનર અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. અસલમ સાયકલવાલાએ ગુજરાતના લઘુમતિ સમુદાયને સરકારી યોજનાનાં લાભો સહિત અન્ય બાબતો અંગે વિગતવાર રજૂઆત કરી માંગ કરી છે.
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે,સમગ્ર ગુજરાતમાં લઘુમતી સમાજની આશરે 12% વસ્તી છે પરંતુ આટલી વિશાળ વસ્તી હોવા છતાં તેમજ સરકારનાં “સબકા સાથ સબકા વિકાસ” સુત્ર થી સાવ વિપરીત રાજ્યનો લઘુમતી સમાજ રાજયનાં અન્ય સમાજ કરતા રાજકીય,સામાજીક અને શૈક્ષણિક રીતે ઘણો પછાત છે. રાજયનાં લઘુમતી સમાજનાં સર્વાંગી વિકાસ માટે 18મી ડિસેમ્બર એટલે “આંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ” (International Minorities Rights Day) નિમિત્તે માઈનોરિટી અધિકાર સમિતિ-સુરત (માસ) ગુજરાત સરકાર સમક્ષ રાજયનાં લઘુમતી સમાજનાં વિકાસ અને રક્ષણ માટે માંગણી કરે છે.
– રાજ્યમાં કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્યોની જેમ લઘુમતી કલ્યાણ મંત્રાલય (વિભાગ)ની સ્થાપના કરવામાં આવે.
-રાજયનાં બજેટમાં લઘુમતી સમાજનાં વિકાસ માટે જરૂરી નક્કર રકમની ફાળવણી કરવામાં આવે.
-રાજ્યમાં બંધારણીય અધિકાર સાથેનું કેન્દ્ર અને અન્ય રાજ્યોની જેમ “લઘુમતી આયોગ” નું પ્રારંભ કરવામાં આવે.
-લઘુમતી બહુલ વસ્તી ધરાવતાં વિસ્તારોમાં ધો.12 સુધીની સરકારી શાળાઓ શરૂ કરવામાં આવે.
– મદરસાનાં શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે.
-લઘુમતી સમુદાયનાં ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવે.
-સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત લોકોનાં પુનઃવસન માટે સરકાર દ્વારા ચોક્કસ નીતિ બનાવવામાં આવે.
-વડાપ્રધાનનાં નવા 15 મુદ્દાનાં કાર્યક્રમનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે.
-રાજયનાં લઘુમતી સમુદાય માટે “The Minorities (Prevention of Atrocites) Act બનાવવામાં આવે.
-મોબ લીંચિંગ જેવી ઘટનાઓ વિરુદ્ધ કડક કાયદો બનાવવામાં આવે.