મુંબઈ : રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીને 8 સપ્ટેમ્બરના રોજ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને એનડીપીએસ કોર્ટ દ્વારા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. આ 14 દિવસની ન્યાયિક કસ્ટડી 22 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાની હતી, પરંતુ તેમની ન્યાયિક કસ્ટડી 6 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે. આ દરમિયાન, રિયાએ અગાઉ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જે નામંજૂર થઈ હતી. જે બાદ રિયાએ 22 સપ્ટેમ્બરે ફરી જામીન માટે અરજી કરી હતી. જે અંગે આજે (23 સપ્ટેમ્બર) સુનાવણી થવાની હતી, જે ટળી ગઈ છે.
રિયાની અગાઉની અરજીને સેશન્સ કોર્ટમાંથી નકારી કાઢ્યા પછી બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, જેની સુનાવણી આજે થવાની હતી. પરંતુ મુંબઇમાં ભારે વરસાદને કારણે આજે સુનાવણી થઈ શકી નથી. ગઈકાલ રાતથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે આજે બોમ્બે હાઈકોર્ટ બંધ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જો બધું બરાબર ચાલે છે, તો આવતીકાલે એટલે કે 24 સપ્ટેમ્બર,ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.
18 લોકોની ધરપકડ કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીને ડ્રગ્સનો ઉપયોગ અને વેચાણ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. રિયા પર એનડીપીએસ એક્ટર 16/20 હેઠળ પણ કેસ કરવામાં આવ્યો હતો. આ બંને સિવાય એનસીબીએ સુશાંતસિંહ રાજપૂતના ઘરના મેનેજર સેમ્યુઅલ મીરાંડા અને ઘરની સંભાળ રાખનાર દિપેશ સાવંતની પણ ધરપકડ કરી છે. એનસીબીએ અત્યાર સુધીમાં ડ્રગ્સના કેસમાં 18 લોકોની ધરપકડ કરી છે.