મહિનો દર 450 લીટર સહાય મળશે, નવો સોફ્ટવેર પણ વિકસાવવામાં આવશે
ગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં રાજ્યના માછીમારો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં OBM (આઉટબોર્ડ મોટેર) બોટ ધરાવતા માછીમારોને મોટી રાહત આપતાં તેમને હવે દર મહિને 450 લીટર કેરોસીન અને પેટ્રોલ માટે સહાય આપવામાં આવશે. અગાઉ આ સહાય માત્ર 150 લીટર હતી, એટલે કે સહાયમાં ત્રણગણો વધારો કરવામાં આવ્યો છે.
તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ, મત્સ્યોદ્યોગ કમિશનર સંદીપકુમાર, અને અન્ય માછીમાર આગેવાનોની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં ગીર-સોમનાથ જિલ્લામાં માછીમાર કેન્દ્રો સંબંધિત પ્રશ્નો પર ચર્ચા કરાઈ હતી. માછીમારોની માંગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ડીઝલની જેમ કેરોસીન-પેટ્રોલ સહાય માટે પણ એક વિશિષ્ટ ઓનલાઈન સોફ્ટવેર વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ પગલાથી સહાય પ્રદાન પ્રક્રિયામાં પારદર્શિતા અને ગતિ મળશે.

OBM બોટ ધારક માછીમારોને બંધ સિઝન દરમિયાન માછીમારી કરવાની મંજૂરી બાબતે
થયેલી રજૂઆતને જવાબ આપતા મંત્રીએ જણાવ્યું કે, માછલીની પ્રજનન (બ્રીડીંગ) સિઝન દરમિયાન સરકાર માછીમારી પર પ્રતિબંધ લગાવવાનું પરિપત્ર જારી કરે છે, જેથી પ્રાકૃતિક સંસાધનનું સંરક્ષણ થઈ શકે. રાજ્ય સરકારે આ નિયમન કડક રીતે અમલમાં લાવવાનું નિશ્ચય કર્યું છે.

બેઠક દરમિયાન કેન્દ્રીય અને રાજ્ય સરકારની વિવિધ માછીમાર કલ્યાણ યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી.OBM બોટ માટે વધારેલી સહાય અને નવીન ટેક્નોલોજીથી સજ્જ સોફ્ટવેર વ્યવસ્થાનો અમલ થતાં ગુજરાતના માછીમારોને અર્થિક રીતે વધુ ટેકો મળશે અને તેમના જીવનમાં સ્થિરતા આવશે.
