દુબઈમાં નોકરી મેળવવા જતા આણંદના યુવાનને ગઠિયાએ ૪.૪૩ લાખનો ચુનો લગાવ્યો

0
92

આણંદ શહેરની એરીજોના હોટલ પાછળ આવેલી દેવશીખર સોસાયટીમાં રહેતા એક યુવકને દુબઈની ફાર્મા કંપનીમાં નોકરી અપાવવા બહાને ગઠિયાએ ૪.૪૩ લાખનો ચુનો ચોપડતા આ અંગે આણંદના સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી નિમેષકુમાર નરેન્દ્રભાઈ પટેલ સોખડા ખાતે આવેલી જીઆઈડીસીની બેરોક ફાર્મા કંપનીમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત ૧૭-૧૨-૨૨ના રોજ તેમના ફેસબુક ઉપર દુબઈ અલઝેબર કંપનીમાં નોકરી માટેની જાહેરાત વાંચીને તેમાં આપેલા ઈમેલ ઉપર સંપર્ક કરતા સામેથી બાયોડેટા મોકલી આપવાનું જણાવ્યું હતુ. બાયોડેટા મોકલી આપ્યા બાદ પાસપોર્ટ અને આધારકાર્ડ મોકલી આપવાનું કહેતા તે પણ મોકલી આપ્યા બાદ ઓફર લેટર મોકલીને તેમા વિગતો ભરીને મોકલવાનું જણાવ્યું હતુ.નિમેષકુમારે તે પણ ભરીને મોકલી આપ્યા બાદ ગઠિયાએ વોટ્સએપ કોલીંગ કરીને પોતાની ઓળખ અજય મોન્ડલ તરીકે આપીને એન્ટ્રી ફી, હોટલ બુકીંગ, વીઝા સ્ટેમ્પીંગ, દુબઈમાં એકાઉન્ટ ખોલાવવા, દુબઈની એન્ટ્રી ફી વગેરે બહાના કાઢીને જુદા-જુદા એકાઉન્ટમાં જુદી-જુદી તારીખોએ થઈને કુલ ૪,૪૩,૨૫૯ની રકમ ટ્રાન્સફર કરાવડાવી હતી. ત્યારબાદ નોકરી અને રૂપિયા પણ પરત કર્યા

નહોતા. પોતાની સાથે આબાદ ઠગાઈ થઈ હોવાનું જાણતાં જ તેમણે તુરંત જ સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી ત્યારબાદ ગઈકાલે આણંદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરીને વોટ્સએપ નંબરના આધારે કાર્યવાહી હાથ ધરી છે.