ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના શેખલિયા ગામમાં નોમિનેશનના વિવાદમાં પૂર્વ સરપંચની હત્યા કરવામાં આવી છે. મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણીની અદાવતમાં તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શેખલિયા ગામના રજની કુમારખાનિયા, ગાંડુ કુમારખાનિયા અને ભરત કુમારખાણિયાએ ચૂંટણીમાં સરપંચનું ફોર્મ ભરવાની ના પાડતાં ગોવિંદભાઈ કાળાભાઈ ગોલિયાને માથાના ભાગે તિક્ષ્ણ કુહાડી મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ગોવિંદભાઈને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
શેખળીયા ગામમાં પૂર્વ સરપંચની હત્યા બાદ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થા ભંગ ન થાય તે માટે ગામમાં પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ કર્મચારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે હત્યાના ત્રણ બનાવો બન્યા છે.